સુશાંત ના મૃત્યુ પહેલાં તેના ઘરે કોઈ પાર્ટી નહોતી થઈ: પોલીસ કમિશનર

04 August, 2020 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુશાંત ના મૃત્યુ પહેલાં તેના ઘરે કોઈ પાર્ટી નહોતી થઈ: પોલીસ કમિશનર

મુંબઈના પોલીસ-કમિશનર પરમબીર સિંહ

મુંબઈના પોલીસ-કમિશનર પરમબીર સિંહે સોમવારે જણાવ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂત તેના અપાર્ટમેન્ટમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો એના એક દિવસ પહેલાં ૧૩ જૂને તેના ઘરે કોઈ પાર્ટી યોજાઈ નહોતી. મુંબઈ પોલીસ દ્વારા થયેલી તપાસ દરમ્યાન કોઇ રાજકારણીનું નામ બહાર આવ્યું નથી.

બૉલીવુડ-સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના સુસાઇડ-કેસને પગલે શહેરમાં આવેલી બિહાર પોલીસની ટીમને સહકાર ન આપવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી એમ જણાવીને કમિશનરે ઉમેર્યું હતું કે મુંબઈ પોલીસ આ મામલે કાયદાકીય અભિપ્રાય મેળવી રહી છે.

બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ રવિવારે દાવો કર્યો હતો કે બૉલીવુડ-અભિનેતા સુશાંતસિંહના મોત સંબંધિત કેસના મામલે મુંબઈ આવેલા પટનાના આઇપીએસ ઑફિસર વિનય તિવારીને મુંબઈમાં બીએમસી દ્વારા જબરદસ્તી ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.

મુંબઈ પોલીસ દ્વારા યોગ્ય દિશામાં તપાસ ચાલી રહી છે અને એા સુસાઇડ-કેસના તમામ સંભવિત પાસાં તપાસાઈ રહ્યાં છે એમ તેમણે જણાવ્યું હતું.

પોલીસ-કમિશનરે જણાવ્યું કે તપાસમાં માલૂમ પડ્યું હતું કે અભિનેતા બાયપોલર ડિસઑર્ડરથી પીડાતો હતો અને એ આ માટેની સારવાર અને દવા લઈ રહ્યો હતો. કયા સંજોગોને લીધે તે આ પગલું ભરવા પ્રેરાયો એ અમારી તપાસનો વિષય છે.

આ કેસના મામલે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) દાખલ કર્યા બાદ તપાસ આગળ વધી છે અને અત્યાર સુધીમાં મુંબઈ પોલીસે ૫૬ વ્યક્તિઓનાં નિવેદનો નોંધ્યાં છે. સુશાંતની બહેનોનાં નિવેદન પણ નોંધવામાં આવ્યાં છે.

તેમણે જણાવ્યું કે ૧૩ અને ૧૪ જૂનના સુશાંતના ઘરના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવ્યાં હતાં, પરંતુ ત્યાં કોઈ પાર્ટી યોજાઈ હોવાનો પુરાવો મળ્યો નથી.

entertainment news bollywood bollywood gossips bollywood news sushant singh rajput mumbai news