...તો બાઝીગર ફિલ્મમાં અનિલ કપૂર હીરો તરીકે જોવા મળ્યો હોત!

09 March, 2020 06:53 PM IST  |  Mumbai Desk | Ashu Patel

...તો બાઝીગર ફિલ્મમાં અનિલ કપૂર હીરો તરીકે જોવા મળ્યો હોત!

અનિલ કપૂર

યસ, અનિલ કપૂરે ‘બાઝીગર’ ફિલ્મની ઑફર ઠુકરાવી હતી. તેણે એ ફિલ્મ કરવાની ના પાડી એટલે શાહરુખને એ બ્લૉકબસ્ટર ફિલ્મ કરવાની તક મળી હતી.

ડિરેક્ટર અબ્બાસ-મસ્તાને જ્યારે ‘બાઝીગર’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમની ઇચ્છા એ વખતના હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના કોઈ ટોચના હીરોને લઈને બનાવવાની હતી, પરંતુ તેમની એ ઇચ્છા પૂરી થઈ નહોતી. તેમણે અનિલ કપૂરને એ ફિલ્મ ઑફર કરી ત્યારે અનિલ કપૂરનો સૂર્ય મધ્યાહ્‍ને ચળકી રહ્યો હતો. તેની ડેટ્સ મેળવવી મુશ્કેલ હતી અને વળી અનિલ કપૂરને કાજોલ જેવી નવીસવી હિરોઇન સાથે ફિલ્મ કરવામાં કોઈ રસ પણ નહોતો એટલે તેણે એ ફિલ્મ ઠુકરાવી દીધી હતી. તેને એ ફિલ્મની સ્ટોરીમાં પણ દમ લાગ્યો નહોતો!
એ સિવાય અબ્બાસ-મસ્તાને હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ટોચના અન્ય અભિનેતાઓને પણ એ ફિલ્મ ઑફર કરી હતી, પણ અનેક સફળ હીરોએ એ ફિલ્મ સાઇન કરવાની ના પાડી દીધી હતી. એ પછી અબ્બાસ-મસ્તાને નવાસવા હીરો શાહરુખ ખાનને લઈને એ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એ ફિલ્મ નહીં કરવા માટે  ટોચના અભિનેતાઓ પાસે એક કારણ એવું પણ હતું કે તેમને એ ફિલ્મમાં હીરોનો રોલ યોગ્ય લાગ્યો નહોતો. એ ફિલ્મમાં હીરોનું પાત્ર વિલન જેવું છે એવું તેમને લાગ્યું હતું. 

એ ફિલ્મ આવી ત્યાં સુધીમાં શાહરુખ ‘ફૌજી’ અને ‘સરકસ’ જેવી ટીવી-સિરિયલ્સમાં અભિનય કરી ચૂક્યો હતો, તો રિશી કપૂર અને દિવ્યા ભારતી સાથેની ‘દીવાના’ ફિલ્મમાં પણ તેણે અભિનય કર્યો હતો. એ ફિલ્મમાં તેના અભિનયની નોંધ લેવાઈ હતી. એ સિવાય તેણે હેમા માલિનીની ‘દિલ આશના હૈ’ ફિલ્મ કરી હતી, જે  સુપર ફ્લૉપ સાબિત થઈ હતી એટલે શાહરુખ ખાનની એવી કોઈ મોટી માર્કેટ-વૅલ્યુ નહોતી. 

બીજી બાજુ કાજોલે કમલ સદાના સાથે ‘બેખુદી’ ફિલ્મ કરી હતી. એ ફિલ્મ ફ્લૉપ સાબિત થઈ હતી. એ સિવાય તેની પણ કોઈ ફિલ્મ આવી નહોતી એટલે શાહરુખ અને કાજોલને લઈને અબ્બાસ-મસ્તાને ‘બાઝીગર’ ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું ત્યારે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ઘણા ‘પંડિતો’ને લાગ્યું હતું કે અબ્બાસ-મસ્તાન આ ફિલ્મ બનાવીને પસ્તાવાના છે!

પણ એ ફિલ્મ બનીને રિલીઝ થઈ ત્યારે એણે બૉક્સ-ઑફિસને જાણે ટંકશાળમાં ફેરવી નાખી. એ ફિલ્મને કારણે શાહરુખ ખાનની સુપરસ્ટાર બનવાની જર્ની શરૂ થઈ અને કાજોલ પણ એ ફિલ્મને કારણે ટોચની હિરોઇન બની ગઈ. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કોઈએ કલ્પના ન કરી હોય એવી સફળતા એ ફિલ્મને મળી અને ફિલ્મનાં તમામ ગીતો પણ સુપરહિટ સાબિત થયાં. એ પછી એ ફિલ્મ ઠુકરાવવા બદલ અનિલ કપૂરને ચોક્કસ અફસોસ થયો હશે. અનિલ કપૂર ઉપરાંત ટોચના અનેક હીરોએ ‘બાઝીગર’ ફિલ્મ ઠુકરાવી હતી એ વિશેની રસપ્રદ અને મજેદાર વાતો ફરી ક્યારેક કરીશું.

ashu patel bollywood bollywood news bollywood gossips anil kapoor kajol