02 March, 2023 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુષ્કા અને વિરાટ
વિરાટ કોહલીએ જણાવ્યું છે કે એક મમ્મી તરીકે તેની વાઇફ અનુષ્કા શર્માએ અતિશય ત્યાગ આપ્યો છે. ૨૦૧૭માં બન્નેએ ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. ૨૦૨૧માં તેઓ એક દીકરીના પેરન્ટ્સ બન્યા છે. તેનું નામ વામિકા રાખવામાં આવ્યું છે. તેનો ચહેરો હજી પણ લોકોને દેખાયો નથી. તેમના ફૅન્સ તેમની આ લાડલીને જોવા માટે આતુર છે. વાઇફ અનુષ્કાની પ્રશંસા કરતાં વિરાટે કહ્યું કે ‘છેલ્લાં બે વર્ષોમાં ઘણુંબધું બદલાયું છે. અમારા બાળકનો જન્મ થયો. એક મમ્મી તરીકે તેણે જે સમર્પણ આપ્યું છે એ ઘણું વધારે છે. તેની સામે જોઉં છું તો એમ લાગે છે કે મારી સમસ્યા તો કાંઈ જ નથી. વાત અપેક્ષાની કરું તો તમારો પરિવાર હંમેશાં તમારી પડખે ઊભો હોય તો તમારે બીજું કાંઈ નથી જોઈતું. પરિવારનો સાથ અને પ્યાર આપણી મૂળભૂત જરૂરિયાત છે.’