26 September, 2023 04:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘બાહુબલી 2’ને ઓવરટેક કરી ‘જવાન’એ
શાહરુખ ખાનની ‘જવાન’ના હિન્દી વર્ઝને પાંચસો કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે. સાત સપ્ટેમ્બરે આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. ફિલ્મને સાઉથના ઍટલીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, નયનતારા, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ અને વિજય સેતુપતિ જોવા મળી રહ્યાં છે. ૨૦૧૭માં રિલીઝ થયેલી પ્રભાસની ‘બાહુબલી 2’ના કલેક્શનને ‘જવાન’એ માત આપી છે. ‘જવાન’એ રવિવાર સુધીમાં ૫૦૫.૯૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ‘બાહુબલી 2’ના હિન્દી વર્ઝનનો બિઝનેસ ૫૧૦.૯૯ કરોડનો રહ્યો હતો. એથી સોમવારના બિઝનેસની સાથે ‘જવાન’ ‘બાહુબલી 2’ને પછાડીને આગળ નીકળી ગઈ છે. જો ‘જવાન’એ સોમવારે પાંચ કરોડથી ઓછો બિઝનેસ કર્યો હોય તો પણ એ મંગળવાર સુધીમાં તો આ આંકડો પાર કરી દેશે. ‘જવાન’ સૌથી વધુ બિઝનેસ કરનારી ત્રીજી ફિલ્મ બની ગઈ છે. હવે એની કૉમ્પિટિશન ‘ગદર 2’ અને ‘પઠાન’ સાથે છે. ૧૧ ઑગસ્ટે રિલીઝ થયેલી ‘ગદર 2’નો બિઝનેસ ૫૨૨.૮૧ કરોડનો થયો છે. આ વર્ષે પચીસ જાન્યુઆરીએ રિલીઝ થયેલી શાહરુખની ‘પઠાન’એ ૫૪૩.૦૫ કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે એ જોવું રહ્યું કે શાહરુખ પોતાની ફિલ્મનો જ રેકૉર્ડ બ્રેક કરી શકે છે કે નહીં.