05 July, 2024 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘કિલ’
કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મ ‘કિલ’ આજે રિલીઝ થઈ રહી છે. ‘પ્યાર તૂને ક્યા કિયા’, ‘પરદેસ મેં હૈ મેરા દિલ’ અને ‘પોરસ’ જેવી સિરિયલમાં જોવા મળેલો લક્ષ્ય લાલવાણી આ ફિલ્મમાં લીડ રોલમાં છે. નિખિલ નાગેશ ભટ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ઍક્શન-ફિલ્મમાં વન-મૅન-આર્મી કમાન્ડો અમ્રિતના રોલમાં લક્ષ્ય જોવા મળી રહ્યો છે. તે તેની ગર્લફ્રેન્ડ તુલિકા સાથે હોય છે જે પાત્ર તાન્યા માનિકતલા દ્વારા ભજવવામાં આવ્યું છે. તુલિકાની સગાઈ તેની મરજી વિરુદ્ધ થઈ હોય છે. જોકે ત્યાં જ એક ઘાતકી ગૅન્ગ દ્વારા ટ્રેનને હાઇજૅક કરવામાં આવે છે. આ ગૅન્ગનો લીડર ફાની હોય છે જે સાઇકો હોય છે. આ પાત્ર રાઘવ જુયાલે ભજવ્યું છે. અમ્રિત અને તેનો અન્ય ફ્રેન્ડ વિરેશ જે પણ કમાન્ડો હોય છે, તેઓ બન્ને આ પરિસ્થિતિને પોતાના હાથમાં લે છે. આ ફિલ્મમાં ખૂબ જ અદ્ભુત માર્શલ આર્ટ્સ દૃશ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હૉલીવુડની ફિલ્મો ‘જૉન વીક’ અને ‘બુલેટ ટ્રેન’ જેવી આ ફિલ્મને બનાવવામાં આવી છે.
ઘૂંટણની સર્જરી છતાં ફિલ્મ કિલ માટે ઍક્શન સીક્વન્સ કરી હતી રાઘવ જુયાલે
રાઘવ જુયાલ આજે રિલીઝ થનારી ફિલ્મ ‘કિલ’માં ઍક્શન અવતારમાં દેખાવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલા તેને ઘૂંટણની સર્જરી કરાવવી પડી હતી. આમ છતાં તેણે ઍક્શન સીક્વન્સ કરી હતી. ડૉક્ટરે તેને છ મહિના આરામ કરવાની સલાહ આપી હતી. જોકે સેટ પર મેડિકલ ટીમ હાજર રહેતી હતી અને એ સીક્વન્સ માટે તેને ખૂબ સપોર્ટ કર્યો હતો. એ વિશે રાઘવ કહે છે, ‘મને જ્યારે ફિલ્મ ‘કિલ’માં વિલનનો રોલ ઑફર કરવામાં આવ્યો ત્યારે મેં એને મારી ક્ષમતા કરતાં આગળ વધવાની અને એક ઍક્ટર તરીકે નવા માપદંડ એક્સપ્લોર કરવાની સુવર્ણ તક તરીકે જોઈ હતી. ડૉક્ટરે મને છ મહિના આરામ કરવાની સલાહ આપી હતી આમ છતાં હું આ તક હાથમાંથી જવા નહોતો દેવા માગતો. સેટ પર મેડિકલની ટીમ અદ્ભુત હતી. તેઓ મારી સલામતી અને શૂટિંગ દરમ્યાન મારી ખૂબ કાળજી લેતા હતા. દરેક ઍક્શન સીન મારા સમર્પણની કસોટી હતી. આશા છે કે મારી આ જર્ની લોકોને પ્રેરણા આપે કે કદી પણ પડકાર સામે હાર ન માનવી.’