ગુજરાતી નાટ્યકારોના નાટક પરથી ધર્મા પ્રૉડક્શને બનાવી ફિલ્મ, સારા અલી ખાન લીડ રોલમાં

21 March, 2024 12:16 PM IST  |  mumbai | Nirali Kalani

પ્રિતેશ સોઢા અને અમાત્ય ગોરડિયાએ ઇન્ટર કૉલેજિયેટ સ્પર્ધા માટે તૈયાર કરેલા નાટકની સ્ક્રીપ્ટના આધારે બનશે કરણ જોહરના પ્રોડક્શનની ફિલ્મ

નાટકનો એક સીન અને પ્રિતેશ સોઢા તથા અમાત્ય ગોરડિયા

સ્વાતંત્ર સંગ્રામમાં ગુજરાતીઓનું કેટલું યોગદાન છે તેની ચર્ચા અનેકવાર થઇ ચૂકી છે. આવાં જ એક સ્વાતંત્ર્ય સેનાની ઉષા મહેતાની જિંદગી હવે સિનેમાને પડદે જોવા મળશે. સ્વાતંત્ર્ય સેનાની મહિલા ઉષા મહેતા પર આધારિત ગુજરાતી નાટક `ખર ખર` પરથી ધર્મા પ્રોડક્શન દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવશે, જે નાટક મુબંઈના ગુજરાતી નાટ્યકારો પ્રિતેશ સોઢા અને અમાત્ય ગોરડિયાએ લખ્યું અને કૉલેજ ફેસ્ટ્સ તથા સ્પર્ધાઓમાં તેનું મંચન કરાયું હતું. આ અંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે આ બંને નાટ્યકારો સાથે ખાસ વાતચીત કરી હતી. 

`ખર ખર` નાટક પરથી બનશે ફિલ્મ

આ અંગે વાત કરતાં પ્રિતેશ સોઢાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે, “ઉષા મહેતા અંગે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેમણે માત્ર 21 વર્ષની વયે સિક્રેટ કોંગ્રેસ રેડિયો શરૂ કરી બ્રિટિશર્સ સામેની લડતમાં પોતાનું આગવું યોગદાન આપ્યું હતું. રેડિયો પ્રસારણ ક્યાંથી થાય છે તે અંગે બ્રિટિશ સરકારને ખબર ન પડે તે માટે ઉષા મહેતા અને તેમના સાથીઓ રેડિયોનું ટ્રાન્સમિટર જૂદી જૂદી જગ્યાએ ફેરવતાં.” ઉષા મહેતા વિષે પોતે જાણ્યા પછી તેનાથી તેઓ પ્રભાવિત થયા તથા તેમના પર નાટક લખવાનો વિચાર આવ્યો. ત્યાર બાદ તેમણે ઉષા મહેતાના સંઘર્ષ અને ગાથા વિશે રિસર્ચ કરી અમાત્ય ગોરડિયા સાથે મળીને `ખર ખર` નાટક લખ્યું હતું. તેમણે રેડિયોનું સ્ટેશન પકડાય તે પહેલાં જે ખરખરખરનો અવાજ આવતો હોય છે તેનાથી નાટકનું નામ `ખર ખર` રાખ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, `મારા માટે ખુશીની વાત છે કે અમારા દ્વારા લિખિત નાટક પરથી ધર્મા પ્રોડક્શન દ્વારા ફિલ્મ બનાવવામાં આવી રહી છે, પરંતુ એના કરતાં પણ વધારે આનંદ મને એ વાતનો છે કે આપણા ગુજરાતી સ્વાતંત્ર્ય સેનાની મહિલા ઉષા મહેતાનો સંઘર્ષ અને તેની વિરગાથા દેશના તમામ લોકો સુધી પહોંચશે.`

અમાત્ય ગોરડિયાએ કહ્યું કે, અમે 2016 માં આ નાટક લખ્યું હતુ. જેમાં 60 જેટલા યુવાન કલાકારોને લેવામાં આવ્યાં હતાં. ત્યારે આ નાટક પરથી ધર્મા પ્રોડક્શન દ્વારા ફિલ્મ બનાવવાની જાહેરાતથી અમે ખુશ છીએ. આ માત્ર અમારી જ સફળતા નથી પરંતુ નાટક સાથે જોડાયેલા કલાકારો અને અમારી આખી ટીમ માટે ગૌરવની વાત છે. અમાત્ય ગોરડિયાએ `ગોળ કેરી` ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી અને હાલમાં તે અન્ય પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે.

કોણ હતાં ઉષા મહેતા?

ઉષા મહેતાનો જન્મ 1920માં ગુજરાતમાં થયો હતો.  માત્ર 21 વર્ષની વયે બ્રિટિશો સામે દેશને બચાવવા 1942માં કોંગ્રેસ રેડિયોમાં કામ કરી આઝાદી માટેની જંગ શરૂ કરી હતી. બ્રિટિશ સરકાર આ રેડિયોનું પ્રસારણ ક્યાંથી થાય છે તે જાણવા ધમપછાડા કરી રહી હતી. આ પ્રસારણની જગ્યા અંગે બ્રિટિશોને જાણ ન થાય તે માટે ઉષા મહેતા અને તેમના સાથીઓ રેડિયોનું ટ્રાન્સમિટર જૂદી જૂદી જગ્યાએ ફેરવતાં રહેતા હતાં. પરંતુ આખરે ટીમનો જ એક સભ્ય ફૂટી ગયો અને સિક્રેટ કોંગ્રેસ રેડિયો બંધ થયો અને ઉષા બહેન મહેતાની સજા ફોગવવી પડી હતી. વર્ષ 2000માં તેમનું અવસાન થયુ હતું. રેડિયો શરૂ કરવાની જર્ની, ગાંધીજીનો સંદેશ રેડિયો પરથી રિલે કરવાનું સાહસ, રેડિયોના હિસ્સા છૂટા છૂટાં કરી અલગ અલગ સ્થળે પહોંચાડવાની ગોઠવણો અને ઘરે માતા-પિતાનો સહકાર જેવા અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ છે ઉષા મહેતાના જીવનમાં. 1942ની સાલમાં તેમણે પહેલીવાર “ધીસ ઇઝ કોંગ્રેસ રેડિયો કૉલિંગ ઓન 42.34 મીટર્સ ફ્રોમ સમવેરની ઇન્ડિયા”ની ઉદ્ઘોષણા કરી હતી અને પછી તો લોકો આ ઉદ્ઘોષણની રોજ રાહ જોતા. 1942ની ક્વિટ ઇન્ડિયા ચળવળમાં ઉષા મહેતાનો કોંગ્રેસ રેડિયો એક અગત્યનો અવાજ છે. મજાની વાત છે કે ઉષા મહેતાના જીવન પરથી નાટક બન્યું, તેની પરથી ફિલ્મ બનશે અને તેમનાં વિદ્યાર્થીની રહી ચૂકેલા ઉષા ઠક્કર જે એસએનડીટી યુનિવર્સિટીમાં અધ્યાપક રહી ચૂક્યા છે અને મુંબઇના મણીભવન સંગ્રાહલયના માનદ નિયામક રહી ચૂક્યા છે તેમણે ઉષા મહેતા અને તેમના કોંગ્રેસ રેડિયો પર તાજેતરમાં જ પુસ્તક પણ લખ્યું છે.

આ અભિનેત્રી જોવા મળી શકે લીડ રોલમાં
કરણ જોહર દ્વારા નિર્મિત ગુજરાતી ફ્રિડમ ફાઈટર મહિલા ઉષા મહેતા પર આધારિત ફિલ્મમાં ઉષા બહેનના પાત્ર માટે આલિયા ભટ્ટ, સારા અલીખાન, તથા જાહ્નવી કપૂરના નામ આગળ હતાં. હવે આ ફિલ્મમાં ઉષા મહેતાના પાત્રમાં સારા અલી ખાન જોવા મળશે. કરણ જોહરે રાઝી, ગુંજન સક્સેના, કેસરી અને તાજેતરમાં જ રિલીઝ થયેલા શમશેરા જેવી ફિલ્મો પોતાના બેનર હેઠળ પ્રોડ્યુસ કરી છે અને દેશભક્તિની ફિલ્મોની આ શ્રેણીમાં જોડાશે ઉષા મહેતા અને તેમના કોંગ્રેસ રેડિયોની આ કહાની. 

bollywood news bollywood entertainment news karan johar dharma productions Gujarati Natak Gujarati Drama gujarati mid-day exclusive nirali kalani Usha Mehta sara ali khan