ગીતાસાક્ષીગાના એક્ટર અને ડાયરેક્ટર કહે છે કે કોન્ટેન્ટ સારું હોય તો લોકો સુધી પહોંચવાનું શક્ય છે

13 April, 2023 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પ્રોજેક્ટ પર કામ કરીને દિગ્દર્શક અને એક્ટર કહે છે કે એ બાબત અમે બહુ સારી રીતે શીખ્યા અને સમજ્યા કે ગમે તે સંજોગો હોય સ્ત્રીઓને રિસ્પેક્ટ તો આપવો જ રહ્યો.

ગીતા સાક્ષીગા ફિલ્મના એભિનેતા આદર્શ સાથે દિગ્દર્શક એન્થની મટ્ટીપલ્લી

દિગ્દર્શક એન્થની મટ્ટીપલ્લી (Anthony Mattipalli) અને એક્ટર આદર્શની (Aadarsh) આવનારી ફિલ્મ ગીતાસાક્ષીગા (Geeta Sakshiga) એક બહુ સ્ટ્રોંગ મેસેજ ધરાવતી ફિલ્મ છે. મહિલા કેન્દ્રી કથાનક ધરાવતી ફિલ્મ ડ્રામા થ્રિલર ઝોન્ર છે જેમાં આદર્શની સાથે ચિત્રા શુક્લા અને શ્રીકાંથ ઐંયગર છે. આ ફિલ્મ મૂળ તેલુગુ ભાષામાં હોવા છતાં તે આખા ભારતમાં રિલીઝ થશે અને હિંદીમાં ડબ્ડ વર્ઝન પણ આવશે.
વાસ્તવિક ઘટના પરથી બનેલી સ્ત્રી કેન્દ્રી ફિલ્મ બનાવવાનો અનુભવ, તેના વિષય સાથેની માવજત અંગે દિગ્દર્શક એન્થની અને અભિનેતા આદર્શે ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથે ખાસ ચર્ચા કરી. વાસ્તવિક જીવનની ઘટનાઓ પરથી ઘણી ફિલ્મો બની રહી છે ત્યારે એક દિગ્દર્શક તરીકે સિનેમાના માધ્યમતી આવી વાર્તા કહેવાનું કેટલું અઘરું હોય છે તેમ પૂછતાં એન્થનીએ જણાવ્યું કે, ‘ગીતાસાક્ષીગા ફિલ્મની વાર્તા પણ વાસ્તવિક ઘટના પરથી બની છે, ઘણીવાર વાસ્તવિકતા એવી હોય કે એ તમે પુરી બતાડી ન શકો પણ કોન્ટેન્ટ તો સત્યની નજીક હોવું જરૂરી છે. ઘણી બાબતો બતાડી ન શકાય એટલે અમારે ફિલ્મ મેકિંગ અને વાસ્તવિકતા વચ્ચે એક સંતુલન રાખીને જ કામ કરવું પડે.’  એન્થનીના જણાવ્યા અનુસાર જ્યારે આદર્શે પહેલી વાર વાર્તા સાંભળી ત્યારે તે જરા ચોંકી ગયો હતો કારણકે અહીં તેનું પાત્ર બહુ જ જુદું હતું. તે પોતે બહુ અચ્છો ડાન્સર છે પણ આ ફિલ્મમાં તો ડાન્સિંગ પણ નથી.  તેનું પાત્ર બહુ જુદા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે.
આદર્શે આ પ્રોજેક્ટ વિષે કહ્યું, ‘મને આ પાત્ર પર વિશ્વાસ છે વળી વાર્તા પણ મજબુત છે અને માટે જ મેં આ ફિલ્મ સ્વીકારી. ભલે તેમાં કોઇ ફાઇટ સિક્વન્સ કે ડાન્સ નથી પણ છતાં પણ તેની મજબુતાઇ જ આકર્ષણ છે. મારે માટે નેક્સ્ટ ડૉર બૉય લાઇક પરફોર્મન્સ કરવું જ બહુ મોટી ચેલેન્જ હતી, ઇમોશન્સ રજુ કરવા એ પણ સહેલું નહોતું.’
દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પેટ્રિઆર્કલ છે અને એમાં સ્ત્રીના દ્રષ્ટિકોણથી ફિલ્મ બનાવવાનો અનુભવ કેવો રહ્યો તેના જવાબમાં આદર્શે કહ્યું કે, ‘મેં મારા દિગ્દર્શકને જ આંખ મિંચીને અનુસર્યા અને હું આ તમામ બાબતોને ન્યાય આપી શક્યો.’
દક્ષિણમાં સ્ત્રી કેન્દ્રી ફિલ્મો બની છે એમ કહી એન્થનીએ કહ્યું કે એ ક્રાઇમ બેઝ્ડ ફિલ્મો કે કોન્ટેટ છે પણ અહીં આ ફિલ્મમાં નાયિકા વકીલ છે અને તે એક્ટરને ડિફેન્ડ કરે છે. તેમણે ઉમેર્યું કે અમે કશું પણ અનવૉન્ટેડ નથી રાખવું એવું નક્કી કરીને જ પહેલેથી સ્ક્રીપ્ટ પર કામ કર્યુ હતું. આજે અનેક પ્રકારનું કોન્ટેન્ટ બને છે અને લોકોના ખિસ્સામાં કોન્ટેટ છે એમ કહેવામા કોઇ અતિશયોક્તિ નથી અને આવા સંજોગોમાં સારું કોન્ટેટ હોય, સારી વાર્તા હોય તો તે ચાલે જ છે. આદર્શે પણ કહ્યું કે, ‘ઇમોશન્સને કોઇ સીમાઓ નથી હોતી અને માટે જ આજે આપણે ઓસ્કાર પણ મેળવી શક્યા છીએ, આજે સારું કોન્ટેટ તો લોકો સુધી પહોંચી જ શકશે.’

આ પ્રોજેક્ટ પર કામ કરીને દિગ્દર્શક અને એક્ટર કહે છે કે એ બાબત અમે બહુ સારી રીતે શીખ્યા અને સમજ્યા કે ગમે તે સંજોગો હોય સ્ત્રીઓને રિસ્પેક્ટ તો આપવો જ રહ્યો.

bollywood news entertainment news bollywood south india