24 November, 2026 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર અને દીપિકા પાદુકોણ
આજે દીપિકા પાદુકોણ ભલે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક હોય, પણ એક સમય એવો પણ હતો જ્યારે તે ઍક્ટિંગ શીખી રહી હતી અને આ દરમ્યાન તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દીપિકાએ તેના શરૂઆતના દિવસોમાં અનુપમ ખેરની ઍક્ટિંગ સ્કૂલ ‘ઍક્ટર પ્રિપેર્સ’માં આશરે ત્રણ મહિનાનો કોર્સ કર્યો હતો. હવે અનુપમ ખેરે આ દિવસોનો એક રસપ્રદ કિસ્સો સંભળાવતાં કહ્યું હતું કે ક્લાસમાં નોકરાણીનો અભિનય કરતી વખતે દીપિકાની હાલત એવી થઈ ગઈ હતી કે તેની આંખોમાં લગભગ આંસુ આવી ગયાં હતાં.
દીપિકાએ શાહરુખ ખાન સાથેની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ ૨૦૦૭માં રિલીઝ થઈ હતી. એના થોડા સમય પહેલાં જ દીપિકા અનુપમ ખેરની સંસ્થામાં બીજા બૅચની સ્ટુડન્ટ હતી. એ સમયે તે ઍક્ટ્રેસ નહોતી, પણ જાણીતી મૉડલ હતી.
આ સમગ્ર ઘટનાક્રમ વિશે વાત કરતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘એક કલાકાર તરીકે દરેક પ્રકારના પાત્રમાં પોતાની જાતને ઢાળવી જરૂરી છે. દીપિકા ખૂબ ભણેલા-ગણેલા અને સારા પરિવારમાંથી આવતી હતી. મૉડલિંગ સાથે જોડાયેલી હોવાથી તેની ચાલવાની, બેસવાની અને દરેક કામ કરવાની રીત પણ અલગ હતી. તે ચાનો કપ પણ ખૂબ સ્ટાઇલથી ઉપાડતી હતી અને તેની આ સ્ટાઇલને કારણે અભિનયમાં પાત્રનો સ્વાભાવિક અંદાજ ઊભો થતો નહોતો. એક દિવસ મેં ક્લાસમાં દીપિકાને નોકરાણીનું પાત્ર ભજવવા કહ્યું અને તેને જમીન પર ઝાડુ મારવાનું કામ સોંપવામાં આવ્યું હતું. દીપિકા આ કામ પણ પોતાના સ્ટાઇલિશ અંદાજમાં કરી રહી હતી. આખરે દીપિકાને આ કામની સાચી રીત સમજાવવા મારા ઘરે કામ કરતી મહિલાને ક્લાસમાં બોલાવી હતી અને તેને જમીન પર ઝાડુ મારવાનું કહ્યું. ઘરે કામ કરતી મહિલાએ જે સહજતાથી આ કામ કર્યું એ જોઈને દીપિકાને સમજાયું કે વાસ્તવિક જીવનમાં કોઈ વ્યક્તિ આ કામ કેવી રીતે કરે છે. આ પછી મેં દીપિકાને સમજાવ્યું કે જ્યાં સુધી ઝાડુ મારવાની તેની રીત એકદમ વાસ્તવિક નહીં લાગે ત્યાં સુધી આ પ્રૅક્ટિસ ચાલુ રહેશે. શરૂઆતમાં તે પરેશાન થઈ ગઈ હતી અને તેની આંખોમાં લગભગ આંસુ આવી ગયાં હતાં, પણ તેણે આ કામ કર્યું અને મને થૅન્ક યુ કહ્યું. કામ મેળવવા માટે સમજદારી અને વ્યવહારુ વિચારસરણી પણ હોવી જરૂરી છે.’