11 September, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદય ચોપડા
તનીશા મુખરજીની ફિલ્મી કરીઅર બહેન કાજોલ જેટલી સફળ નથી રહી. તેની લવલાઇફ પણ વિવાદાસ્પદ રહી છે. તનીશા સિંગલ છે. હાલમાં તનીશાએ એક ઇન્ટરવ્યુમાં ઉદય ચોપડા અને અરમાન કોહલી સાથેના પોતાના બ્રેકઅપ વિશે વાત કરી છે અને જણાવ્યું કે એ મુશ્કેલ સમયમાં તેની મમ્મી તનુજાએ મને સાથ આપ્યો હતો.
તનીશાએ આ ઇન્ટરવ્યુમાં કહ્યું કે અરમાન કોહલી સાથેના બ્રેકઅપની તેને કોઈ ખાસ અસર નહોતી થઈ, પણ ઉદય ચોપડા સાથેની રિલેશનશિપનો અંત આવ્યો ત્યારે તેને ખૂબ દુઃખ થયું હતું. તનીશા અને ઉદય ચોપડાએ ૨૦૦૫માં ફિલ્મ ‘નીલ ઍન્ડ નિક્કી’માં સાથે કામ કર્યું હતું અને એમાં તેમના કેટલાક ઇન્ટિમેટ સીન્સ હતા જે ખૂબ ચર્ચાનો વિષય બન્યા હતા. બન્નેએ ત્યાંથી એકબીજા સાથે ડેટિંગ શરૂ કરી દીધું હતું પણ ૨૦૦૭માં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.
ઉદય ચોપડા સાથેના સંબંધો વિશે તનીશાએ કહ્યું, ‘હું અને ઉદય મિત્રો છીએ. અમે ખૂબ ક્લોઝ હતાં અને એકબીજાને લાંબા સમયથી જાણતાં હતાં એટલે મને બહુ દુઃખ થયું હતું. હું એવી વ્યક્તિ છું જે હંમેશાં વસ્તુઓની સારી સાઇડ જુએ છે. જે પણ થાય છે એ સારા માટે થાય છે. મને પ્રેમમાં પડવાની ફીલિંગ્સ સારી લાગે છે અને એનાથી મળતા અનુભવોને હું મનમાં જાળવીને રાખું છું.’
મમ્મી તનુજા સાથેની રિલેશનશિપ વિશે વાત કરતાં તનીશાએ કહ્યું, ‘હું ઇમોશનલ અને પ્રોફેશનલ લાઇફમાં આવતી સમસ્યાઓમાં મમ્મી તનુજાના સપોર્ટને કારણે જ ટકી રહી છું. મને કોઈ પણ સમસ્યા થાય તો હું એને કોઈ ફ્રેન્ડ સાથે શૅર કરવાને બદલે મમ્મી સાથે એની ચર્ચા કરવાનું વધારે પસંદ કરું છું.’