06 August, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમન્ના ભાટિયા અને વિરાટ કોહલી
હાલમાં તો વિરાટ કોહલી અનુષ્કા શર્મા સાથે લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયો છે, પણ જ્યારે તેનાં લગ્ન નહોતાં થયાં ત્યારે એક તબક્કે તમન્ના ભાટિયા સાથે તેનું પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હોવાની ચર્ચા હતી. આ મામલે વિરાટ કે પછી તમન્નાએ પહેલાં ક્યારેય સ્પષ્ટતા નથી કરી, પણ હાલમાં એક ઇન્ટરવ્યુમાં તમન્નાએ આ મામલે દિલ ખોલીને વાત કરી છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં જ્યારે તમન્નાને તેની અને વિરાટની જૂની તસવીરો દર્શાવીને તેમના અફેરની ચર્ચા વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તમન્નાએ સ્પષ્ટતા કરી હતી કે ‘મને ખરેખર ખરાબ લાગે છે, કારણ કે હું તેને ફક્ત એક દિવસ માટે મળી હતી. અમે સાથે ઍડ કરી હતી અને ઍડ-શૂટ પછી હું ક્યારેય વિરાટને મળી નથી. ન તો મેં તેની સાથે વાત કરી છે અને ન તો હું તેની સાથે ડેટ પર ગઈ છું.’
એક તબક્કે તમન્નાનું નામ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક સાથે પણ જોડાયું હતું. આ મામલે સ્પષ્ટતા કરતાં તમન્નાએ કહ્યું કે ‘ઇન્ટરનેટ ખૂબ જ ફની જગ્યા છે. ઇન્ટરનેટ મુજબ મારાં લગ્ન અબ્દુલ રઝાક સાથે થયાં છે. માફ કરશો અબ્દુલ રઝાક સર, તમારાં બે-ત્રણ બાળકો છે. મને ખબર નથી કે તેમનું જીવન કેવું છે, પરંતુ આ ખૂબ જ શરમજનક છે. હું તેમને એક જ્વેલરી સ્ટોરના ઉદ્ઘાટન સમયે મળી હતી. અમારી વચ્ચે બીજો કોઈ સંબંધ નથી.’