ઈલેક્ટ્રિસિટિનું બિલ જોઈને તાપસી પન્નૂ અને રેણુકા શહાણેના હોશ ઉડી ગયા

29 June, 2020 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈલેક્ટ્રિસિટિનું બિલ જોઈને તાપસી પન્નૂ અને રેણુકા શહાણેના હોશ ઉડી ગયા

રેણુકા શહાણે, તાપસી પન્નૂ

તમારા ઘરનું વીજળીનું બિલ હંમેશા કરતા ત્રણ ગણું વધારે આવે તો તમને આંચકો લાગે એ બાબત સામાન્ય છે. લૉકડાઉનમાં લગભગ બધાના જ વીજળીના બિલમાં અધધધ વધારો થયો છે. અને બિલ વધારાની આ હરોળમાં સેલેબ્ઝ પણ બાકાત નથી. અભિનેત્રી તાપસી પન્નૂ અને રેણુકા શહાણેનું નામ પણ બિલ વધારાની યાદીમાં સામેલ છે. તેમના ઘરનું બિલ લગભગ ત્રણ ગણું આવતા હોશ ઉડી ગયા છે.

તાપસી પન્નૂનું છેલ્લા ત્રણ મહિનાનું વીજળીનું બિલ બહુ વધારે આવ્યું છે. જેની તસવીરો અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરોમાં એક મહિનાનું બિલ 35,890 રૂપિયા આવ્યું છે. જ્યારે પહેલા બે મહિનાનું બિલ 3,850 રૂપિયા અને 4,390 રૂપિયા આવ્યું હતું. તાપસીને પ્રશ્ન થાય છે બિલમાં આટલો બધો વધારો કઈ રીતે થયો? બિલની તસવીરો શૅર કરવાની સાથે તાપસીએ કૅપ્શનમાં પોતાનો રોષ વ્યક્ત કરતા લખ્યું છે કે, લૉકડાઉનને ત્રણ મહિના જ થયા છે અને મને એ જ ચિંતા છે કે છેલ્લા ત્રણ મહિનામાં મેં નવું કોઈ ઉપકરણ નથી ખરીદયું કે આટલું બધુ બિલ આવે. ખબર નહીં અદાણી ઈલેક્ટ્રિસિટિ અમને કયા પ્રકારનું બિલ મોકલી રહી છે.

એટલું જ નહીં તાપસીએ એ ઘરનું પણ બિલ ભરવું પડી રહ્યું છે જેમાં કોઈ રહેતું જ નથી અને ફક્ત અઠવાડિયામાં એકવાર સાફસફાઈ માટે ઘર ખોલવામાં આવે છે.

અભિનેત્રી રેણૂકા શહાણેએ પણ અદાણી ઈલેક્ટ્રિસિટિને ટૅગ કરીને બિલ વધારાનો મુદ્દો ઉપાડયો છે. બિલની તસવીરો શૅર કરતા રેણુકાએ ટ્વીટ કર્યું હતું કે, આઠ મે ના રોજ મારું વીજળીનું બિલ 5,510 રૂપિયા આવ્યું હતું. જ્યારે જૂનમાં બિલ 29,700 રૂપિયા આવ્યું. આ બિલમાં મે મહિનાનું અને જૂન મહિનાનું એમ બન્ને બિલ જોડવામાં આવ્યા છે. પણ એ બિલમાં મારું મે મહિનાનું બિલ 18,080 રૂપિયા દેખાડવામાં આવ્યું છે. જ્યારે મારું બિલ તો 5,510 રૂપિયા હતું. તો પછી 18,080 રૂપિયા કઈ રીતે થયું?

વીજળીના બિલના આ મુદ્દે મહારાષ્ટ્રના ઉર્જા પ્રધાન નિતિન રાઉતે 2.30 કરોડ વીજ ગ્રાહકોને કહ્યું છે કે, વીજળીના બિલમાં કોઈ ચિટિંગ નથી. હકીકતમાં મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટિ ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ને રીડિંગના અભાવે લગભગ 3,500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. દરેક વ્યક્તિ તેમના બિલની તપાસ ઓનલાઈન કરી શકે છે અને ઈન્સ્ટૉલમેન્ટમાં પૈસા ભરી શકે છે. તેમને એકસાથે બિલની રકમ ચૂકવવાની જરૂર નથી. અમે વિજળી નહીં કાપીએ.

entertainment news bollywood bollywood news bollywood gossips taapsee pannu renuka shahane