સુશાંત સિંહ રાજપુતના મૃત્યુની ખબર વીકિપીડિયા પર પહેલા જ અપડેટ થઈ હતી?!

01 July, 2020 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપુતના મૃત્યુની ખબર વીકિપીડિયા પર પહેલા જ અપડેટ થઈ હતી?!

સુશાંત સિંહ રાજપુત

અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. એવી ખબરોએ જોર પકડયું હતું કે, સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના સમાચાર તેની મોત પહેલા જ વીકિપીડિયા પર અપડેટ થઈ ગયા હતા. જોકે, આ બાબતમાં કેટલી સચ્ચાઈ છે તેનો ખુલાસો મુંબઈ પોલીસે કર્યો છે.

14 જૂનના રોજ સવારે 8.59 વાગ્યે જ સુશાંત સિંહ રાજપુતના મૃત્યુના સમાચાર અભિનેતાના વીકિપીડિયા પેજ પર અપડેટ થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, 14 જૂને સવારે 9.30 વાગ્યાની આસપાસ સુશાંત સિંહ રાજપુત તેના બૅડરૂમમાંથી બહાર આવ્યો હતો અને પછી જ્યૂસ પીધો હતો. ત્યારબાદ તે દસ મિનિટ પછી પાછો બૅડરૂમમાં જતો રહ્યો હતો. તે પછી સીધા બાર વાગ્યાની આસપાસ તેના મૃત્યુના સમાચાર આવ્યા હતા. એટલે પ્રશ્ન થાય છે કે, જો મૃત્યુ બાર વાગ્યાની આસપાસ થયું છે તો સવારે નવ વાગ્યાની આસપાસ જ મૃત્યુના સમાચાર કઈ રીતે મુકાયા? મૃત્યુ પહેલા જ વીકિપીડિયા પર કઈ રીતે મૃત્યુના સમાચાર અપડેટ થઈ ગયા? આ બાબતે લોકોએ ટ્વીટ કરીને સુશાંત માટે ન્યાય માંગ્યો હતો. આ બાબતે અભિનેતાના ફૅન્સે અમિત શાહની પણ મદદ માંગી હતી.

ટ્વીટર પર લોકોએ પ્રશ્ન કર્યા બાદ મુંબઈ પોલીસે આ બાબતે સાયબર સેલની મદદથી તપાસ કરી હતી. મુંબઈ પોલીસે તપાસ કરતા સાયબર સેલમાંથી માહિતી મળી કે, વીકિપીડિયા કૉઓર્ડિનેટેડ યુનિર્વસલ ટાઈમ પ્રમાણે કામ કરે છે. તે ભારતીય સમય કરતા સાડા પાંચ કલાક પાછળ ચાલે છે. ભારતીય સમય પ્રમાણે આ માહિતી બપોર પછી જ અપડેટ કરવામાં આવી હતી. સાયબર સેલે કરેલી તપાસમાં ખાતરી થઈ ગઈ છે કે, વીકિપીડિયા પર થયેલા અપડેટ સાથે કોઈ ચેડાં કરવામાં નથી આવ્યા.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપુતનો વિસેરા રિપોર્ટ આવતા થયો આ ખુલાસો

સુશાંત સિંહ રાજપુતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. કહેવાય છે કે, અભિનેતા ડિપ્રેશનમાં હતો અને તેણે આ પગલું ભર્યું હતું. આ કેસની અત્યારે પોલીસ તપાસ ચાલી રહી છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput mumbai police