સુશાંત સિંહ રાજપૂતના કેસમાં આદિત્ય ઠાકરેની ચુપકીદી પર સવાલ થઈ રહ્યા છે

01 August, 2020 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં આદિત્ય ઠાકરેની ચુપકીદી પર સવાલ થઈ રહ્યા છે

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં આદિત્ય ઠાકરે ચૂપ હોવાથી બિહારની ભારતીય જનતા પાર્ટી દ્વારા એ વિશે સવાલો કરવામાં આવી રહ્યા છે. આદિત્ય ઠાકરે બૉલીવુડની સેલિબ્રિટીઝ સાથે મળીને ખૂબ જ કામ કરતો જોવા મળે છે. જોકે આ કેસમાં તે એકદમ ચૂપ છે. આદિત્યની સાથે મહારાષ્ટ્ર સરકાર પર પણ તેમણે આકરા સવાલો કર્યા છે. બિહબાર બીજેપીના સ્પોક્સ પર્સન નિખિલ આનંદે કહ્યું હતું કે ‘સુશાંત સિંહ રાજપૂત ઇન્ડિયાનો એક યુવાન અને ટૅલન્ટેડ આર્ટિસ્ટ હતો અને તે આમ અચાનક ભેદી સંજોગોમાં મૃત્યુ પામ્યો અને મહારાષ્ટ્રના યુથ લીડર કેમ ચૂપ છે? મહારાષ્ટ્ર સરકારમાં આદિત્ય ઠાકરે ખૂબ જ મહત્ત્વની વ્યક્તિ છે તો પછી તેમની સરકાર કેમ આ રહસ્યમય મૃત્યુ માટે સીબીઆઇને કેસ નથી સોંપતી? આદિત્ય ઠાકરે સુશાંતની ફેવરમાં અથવા તો તેની વિરુદ્ધ પણ બોલી શકે છે. સુશાંતના કેસમાં બિહારના લોકોને સતત અફવાઓ સાંભળવા મળી રહી છે. પ્રૂફ સાથે ચેડાં કરવાના સમાચાર આવવાથી અમારા લોકોની ચિંતા વધી ગઈ છે. મહારાષ્ટ્રની મિનિસ્ટ્રી ઑફ સ્ટેટ ફૉર હોમ દ્વારા કરવામાં આવેલા સ્ટેટમેન્ટનો પણ અમે વાંધો ઉઠાવીએ છીએ. આ તમામ કારણોસર બિહારના લોકોને મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ પર જરા પણ ભરોસો નથી અને એથી જ તેમની આશા સીબીઆઇ છે.’

સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળે એ હેતુથી બિહારની તમામ પૉલિટિકલ પાર્ટીઓ એક થતી જોવા મળી રહી છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં કેસને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે અપીલ કરી હતી એની વિરુદ્ધમાં બિહાર સરકારે પણ અરજી કરી છે. ઇન્ફર્મેશન ઍન્ડ પબ્લિક રિલેશન મિનિસ્ટર નીરજ કુમારે કહ્યું હતું કે આ એક ન્યાયિક પ્રકિયા છે. સુશાંતના પિતાએ એફઆઇઆર રજિસ્ટર કર્યો ત્યારથી બિહાર પોલીસ મુંબઈમાં કોરોના વાઇરસની વચ્ચે પણ તપાસ કરી રહી છે. દરેકને સત્યની શોધ છે અને બિહારની સરકાર સત્ય સાથે છે.

ભારતીય જનતા પાર્ટીના સ્પોક્સ પર્સન પ્રેમરંજન પટેલે બિહાર સરકારે સુપ્રીમ કોર્ટને કેસ ટ્રાન્સફર ન કરવા માટે કરેલી અપીલને સપોર્ટ કર્યો છે. તેમનું કહેવું છે કે બિહાર પોલીસ મુંબઈ પહોંચી ગઈ છે, પરંતુ ત્યાં તેમને જોઈએ એવો સપોર્ટ નથી મળી રહ્યો.

કૉન્ગ્રેસ લીડર લલ્લન કુમારે કહ્યું હતું કે કૉન્ગ્રેસ સરકાર પણ સુશાંતની ફૅમિલી સાથે છે. આ કેસમાં સીબીઆઇ ઇન્ક્વાયરી થવી જોઈએ અને પટનામાં કરવામાં આવેલા એફ.આઇ.આર.ને કારણે બિહાર પોલીસ દ્વારા જ એની તપાસ થવી જોઈએ.

યુથ આરજેડીના સ્ટેટ વાઇસ પ્રેસિડન્ટ અજિત યાદવે કહ્યું હતું કે તેમના લીડર તેજસ્વી યાદવ લોકોની સામે સત્ય લાવીને રહેશે. આરજેડી પણ સુશાંતની ફૅમિલી સાથે છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput aaditya thackeray