સુપ્રીમ કોર્ટનો આદેશ: સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ CBI કરશે

19 August, 2020 12:03 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સુપ્રીમ કોર્ટનો આદેશ: સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ CBI કરશે

સુશાંત સિંહ રાજપૂત (ફાઈલ તસવીર)

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસમાં આખરે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) કરશે. અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ પોતાની વિરુદ્ધ પટનામાં દાખલ એફઆઈઆરને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી. જેને ફગાવતાં કોર્ટે આ કેસની તપાસના અધિકાર CBIને આપી દીધા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને મોટો આંચકો લાગ્યો છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને બંધારણીય બેન્ચમાં પડકારી પણ શકે છે.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે, સુશાંત આત્મહત્યા કેસની તપાસ હવે સીબીઆઈ કરશે. પટનામાં જે એફઆઈઆર નોંધવામાં આવી છે તે કાયદાકિય રીતે યોગ્ય છે. આ ચુકાદા બાદ મહારાષ્ટ્ર સરકારના વકીલે કહ્યું કે, અમે ચુકાદાને પડકારીશું. તેની પર કોર્ટે કહ્યું કે, આ 35 પાનાનું જજમેન્ટ છે. પહેલા તમે તેને વાંચો. અમે દરેક પાસાઓનું ચીવટપૂર્વક અધ્યયન કર્યું છે અને ત્યારબાદ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ હૃષિકેશ રાયની બેન્ચે આ ચુકાદો આપ્યો છે.

ગત મંગળવારે એટલે કે 11 ઓગસ્ટે સર્વોચ્ચ અદાલતે સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો જેમાં જસ્ટિસ હૃષિકેશ રાયની બેન્ચે સુનાવણી કરી હતી. સિનિયર એડવોકેટ મનીંદર સિંહ બિહાર સરકાર તરફથી જ્યારે એએમ સિંઘવી મહારાષ્ટ્ર સરકાર અને શ્યામ દિવસ રિયા તરફથી કોર્ટમાં હાજર થયા હતા, વિકાસ સિંહે સુશાંત સિંહના પરિવારનો પક્ષ કોર્ટ સામે મૂક્યો હતો.  સુનાવણી બાદ આ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી પર સર્વોચ્ચ અદાલતે ચુકાદો સુરક્ષિત કરી લીધો હતો. જસ્ટિસ રાયે તમમા પક્ષોને પોતાની દલીલો પર સંક્ષિપ્ત લેખિત નોટ 13 ઓગસ્ટ સુધી જમા કરાવવાની મંજૂરી આપી હતી. તમામ પક્ષોએ 13 ઓગસ્ટે પોતાના જવાબ દાખલ કરી દીધા હતા. ત્યારબાદ આજે 11 વાગ્યે કોર્ટ પોતાનો લેખિત ચુકાદો આપ્યો. સૂત્રો મુજબ, સીબીઆઈની SIT ટીમ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મુંબઇ જવા રવાના થશે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્ર સરકાર અને રિયા ચક્રવર્તીએ સીબીઆઈ તરફથી નોંધવામાં આવેલી એફઆઇઆરને મુંબઈ પોલીસને સોંપવાની માંગ કરી હતી. સુશાંતના પિતા અને બિહાર સરકારે તેનો વિરોધ કર્યો હતો. સુશાંતના પિતા તરફથી નોંધવામાં આવેલી એફઆઈઆરમાં રિયા ઉપર સુશાંતને હેરાન કરવાનો, તેના કરોડો રૂપિયા પડાવી પાડવાનો અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સનાવણી પહેલા જ બિહાર સરકારે કેસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી હતી. તેને કેન્દ્ર સરકારે માની લીધી હતી.

entertainment news bollywood bollywood news sushant singh rajput rhea chakraborty supreme court central bureau of investigation mumbai mumbai police