19 June, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીની ફાઇલ તસવીર
સુશાંત સિંહ રાજપૂતનું ૨૦૨૦માં નિધન થયું હતું. એ સમયે તેના મૃત્યુનો આરોપ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર લગાડવામાં આવ્યો હતો. જોકે પછી રિયાને ક્લીન ચિટ મળી ગઈ હતી. હવે સુશાંતના મૃત્યુને પાંચ વર્ષ થઈ ગયાં છે. આવા સમયે ડિરેક્ટર રુમી જાફરીએ સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીની લવ-સ્ટોરી પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
આ વિશે વાત કરતાં રુમી જાફરીએ કહ્યું કે ‘હું હજી પણ સુશાંતની હાજરી મારી આસપાસ અનુભવું છું. તે હંમેશાં ખુશી અને ઊર્જાથી ભરપૂર રહેતો હતો. તે ખૂબ જ ચંચળ હતો. તેની સાથે સમય વિતાવવો એ પોતે જ થકવનારો અનુભવ હતો. તેની ગર્લફ્રેન્ડ રિયા હંમેશાં તેની સાથે રહેતી હતી અને ઘણી વાર તેને શાંત અને સ્થિર રાખવાનો પ્રયાસ કરતી હતી. આ યોજના મારા મનમાં ત્યારથી જ હતી જ્યારે સુશાંત અમારી સાથે હતો. રિયા પ્રત્યેનો તેનો પ્રેમ કોઈ સામાન્ય લાગણીથી ઘણો આગળ હતો. તે રિયા માટે પોતાનો જીવ પણ આપવા તૈયાર હતો.’
ફિલ્મમાં સુશાંતનું પાત્ર વેદાંગ રૈના ભજવી શકે છે
રુમી જાફરીની આ ફિલ્મનું શીર્ષક હજી સુધી નક્કી થયું નથી. આ ફિલ્મમાં સુશાંતનું પાત્ર વેદાંગ રૈના ભજવી શકે છે, પણ લીડ ઍક્ટ્રેસ કોણ હશે એનો ખુલાસો હજી સુધી થયો નથી. જોકે હજી સુધી આની સત્તાવાર જાહેરાત પણ થઈ નથી.