રાજપૂત પરિવારના વકીલે મુંબઈ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

29 July, 2020 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજપૂત પરિવારના વકીલે મુંબઈ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

સુશાંત સિંહ રાજપૂત, વકીલ વિકાસ સિંહ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુને દોઢ મહિનો થઈ ગયો છે અને પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. બીજી બાજુ અભિનેતાના પિતા કે.કે.સિંહે સુશાંતની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના પરિવાર પર ગંભીર આરોપો મુક્યા છે. તેમણે પટનામાં એફઆઈઆર દાખલ કરી છે. જેમાં અભિનેતાને આત્મહત્યા કરવા માટે ઉત્સુક કરવાનો અને દગો આપવાનો આક્ષેપ કર્યો છે. હવે આ મામલે અભિનેતાના પિતાના વકીલનું નિવેદન આવ્યું છે. જેમાં તેણે મુંબઈ પોલીસ પર કેટલાક આક્ષેપો કર્યા છે.

અભિનેતાના પિતા કે.કે.સિંહના વકીલ વિકાસ સિંહે જણાવ્યું છે કે અત્યાર સુધી શા માટે પરિવાર ચુપ હતો અને સાથે જ મુંબઈ પોલીસ પર આક્ષેપો પણ કર્યા છે. વિકાસ સિંહે કહ્યું છે કે, સુશાંતના પરિવારને એફઆઈઆર નોંધાવવામાં દોઢ મહિનાનો સમય એટલે લાગ્યો કારણકે તેઓ આઘાતમાં હતા અને મુંબઈ પોલીસ એફઆઈઆર નોંધતી નહોતી. મુંબઈ પોલીસ પરિવાર પર દબાણ કરતી હતી કે, તેઓ મોટા મોટા પ્રોડક્શન હાઉસના નામ લે અને આમાં તેમની સંડોવણી કરે.

વિકાસ સિંહે વધુમાં કહ્યું હતું કે, પટનામાં જ્યારે અમે એફઆઈઆર દાખલ કરાવવા ગયા ત્યારે પોલીસને મુશ્કેલી પડી હતી. જ્યારે મુખ્યપ્રધાન નીતીશ કુમાર અને પ્રધાન સંજય ઝાએ જ્યારે સમજાવ્યું ત્યારે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. અમે ઈચ્છીએ છીએ કે પટના પોલીસ આ કેસની તપાસ કરે. જોકે પરિવારે હજી સુધી સીબીઆઈ તપાસની માંગ નથી કરી.

રાજપૂત પરિવારના વકીલે કહ્યું હતું કે, સુશાંતના કેસની તપાસ બહુ ધીમી થઈ રહી છે અને કેસની તપાસ પણ ખોટી દિશામાં થઈ રહી છે. પરિવારના આ આક્ષેપો બાદ મુંબઈ પોલીસ પર અને તેમની કામગીરી પર સવાલો થઈ રહ્યાં છે. ફરિયાદ નોંધાવ્યાને ઘણા દિવસ થયા હોવા છતા હજી સુધી શા માટે કાર્યવાહી નથી થઈ કે પછી રિયાની ધરપકડ પણ કરવામાં નથી આવી. પણ અમને હજી આશા છે કે, મુંબઈ પોલીસ જલ્દી ધરપકડ કરશે.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput