મેં ક્યારેય પાનમસાલાની જાહેરાત કરી નથી અને કરીશ પણ નહીં

19 August, 2026 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહેરમાં આવો દાવો કરનાર સની દેઓલની પાનમસાલાની એક જૂની જાહેરાત વિશે સોશ્યલ મીડિયામાં ચર્ચા ઊપડી છે

સની દેઓલ

સની દેઓલે તાજેતરમાં કહ્યું હતું કે તેણે ક્યારેય પાનમસાલાની જાહેરાત કરી નથી અને તે ભવિષ્યમાં પણ આવી જાહેરાત નહીં કરે, કારણ કે એ તેના અંતરાત્માની વિરુદ્ધ છે. સનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‍મિનિસ્ટ્રેશન (FDA)એ વિમલ ઇલાયચીની જાહેરાતમાં જોવા મળવા બદલ અજય દેવગન, શાહરુખ ખાન અને ટાઇગર શ્રોફને કારણદર્શક નોટિસ ફટકારી છે.
સનીના આ નિવેદન પછી હવે ઇન્ટરનેટ પર સનીની એક જૂની જાહેરાત સામે આવી છે જે પાનમસાલાની જાહેરાત હોવાનું જણાઈ રહ્યું છે. આ વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર ફરી વાઇરલ થઈ રહ્યો છે. આ જાહેરાતમાં સની ઉપરાંત રવિ કિશન અને વિજય રાઝ પણ જોવા મળે છે.
આ વિડિયોમાં સની બે મહિલાઓ સાથે એક પાનની દુકાન પર પહોંચતા જોવા મળે છે અને મીઠું પાન ખાતો જોવા મળે છે. આ પાનમસાલાના પૅકેટ પર સનીનો ફોટો પણ જોવા મળે છે. જોકે પૅકેજિંગ પર સ્પષ્ટ રીતે ‘નો ટબૅકો’ અને ‘નો નિકોટિન’ લખેલું જોવા મળે છે. સનીના આ નિવેદન પછી તેની જૂની જાહેરાત ફરી સામે આવતાં સોશ્યલ મીડિયા યુઝર્સનું ધ્યાન તેના તરફ ગયું છે.

sunny deol entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood