૨૫ વર્ષથી પ્રેમના આ સંબંધની ગાડી ચાલી રહી છે અને આગળ પણ ચાલતી રહેશે

16 June, 2026 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સની દેઓલે ગદરની રિલીઝને ૨૫ વર્ષ પૂર્ણ થયાં એ નિમિત્તે શૅર કરી ફિલ્મોની તસવીરો

સની દેઓલે સોશ્યલ મીડિયા પર તારા સિંહના પાત્રની કેટલીક યાદગાર તસવીરો પોસ્ટ કરીને જૂની યાદો તાજી કરી

૨૦૦૧માં રિલીઝ થયેલી સની દેઓલની ‘ગદર’ની રિલીઝને ગઈ કાલે ૨૫ વર્ષ પૂર્ણ થયાં છે. આ ખાસ અવસરની ઉજવણી કરતાં સની દેઓલે પોતાના ચાહકો માટે એક ભાવુક સંદેશ શૅર કર્યો છે. તેણે સોશ્યલ મીડિયા પર તારા સિંહના પાત્રની કેટલીક યાદગાર તસવીરો પોસ્ટ કરીને જૂની યાદો તાજી કરી છે. સની દેઓલે શૅર કરેલી તસવીરોમાં તેનું લોકપ્રિય પાત્ર તારા સિંહ વિવિધ અંદાજમાં જોવા મળે છે. આ તસવીરો સાથે સની દેઓલે લખ્યું હતું કે ‘૨૫ વર્ષ પહેલાં ‘ગદર’ અને તારા સિંહે તમારું દિલ જીતી લીધું હતું. ૨૫ વર્ષથી પ્રેમના આ સંબંધની ગાડી ચાલી રહી છે અને આગળ પણ ચાલતી રહેશે. આટલાં વર્ષો સુધી અમને પ્રેમ આપવા અને તમારા દિલમાં સ્થાન આપવા બદલ હું તમામનો દિલથી આભાર માનું છું. આશા છે કે આગળ પણ અમે તમારા દિલમાં આવી જ રીતે રહીશું.’

આવતા વર્ષે શરૂ થશે ગદર 3નું શૂટિંગ

સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત સુપરહિટ ફિલ્મ ‘ગદર : એક પ્રેમ કથા’ને ગઈ કાલે ૨૫ વર્ષ પૂર્ણ થયાં છે. ૨૦૦૧માં રિલીઝ થયેલી આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર સફળ રહી હતી. આ પછી ૨૦૨૩માં આવેલી ‘ગદર 2’એ તો પહેલા ભાગના અનેક રેકોર્ડ્‍સ તોડી નાખ્યા હતા. હવે ‘ગદર : એક પ્રેમ કથા’ને ૨૫ વર્ષ પૂરાં થયાં છે ત્યારે ડિરેક્ટર અનિલ શર્માએ ‘ગદર 3’ બનવાની સત્તાવાર પુષ્ટિ કરી છે.

‘ગદર 3’ વિશે વાત કરતાં અનિલ શર્માએ કહ્યું હતું કે ‘‘ગદર 3’ ચોક્કસ બનશે અને એ અગાઉની ફિલ્મોથી પણ વધુ ભવ્ય હશે. આ ફ્રૅન્ચાઇઝી પ્રત્યે લોકોની અપેક્ષાઓ ખૂબ વધારે છે. મારા માટે ‘ગદર’ની વાર્તા બૉમ્બ જેવી હતી જ્યારે ‘ગદર 2’ ઍટમ બૉમ્બ સાબિત થઈ અને એણે ઇતિહાસ રચ્યો. હવે જો મને ન્યુક્લિયર બૉમ્બ જેવી વાર્તા મળશે તો જ હું ત્રીજો ભાગ બનાવીશ. હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને જો બધું આયોજન મુજબ રહેશે તો ૨૦૨૭માં ‘ગદર 3’નું શૂટિંગ શરૂ કરવામાં આવશે.’

sunny deol ameesha patel gadar 2 social media entertainment news bollywood bollywood news