સુનીલ દત્ત ને નર્ગિસ દત્ત બૉલીવુડમાં લાવ્યાં હતાં કિરણ ખેરને

07 May, 2020 08:11 PM IST  |  Mumbai | Ashu Patel

સુનીલ દત્ત ને નર્ગિસ દત્ત બૉલીવુડમાં લાવ્યાં હતાં કિરણ ખેરને

કિરણ ઠાકર સિંઘ એટલે કે કિરણ ખેર પંજાબનાં વતની હતાં, પરંતુ તેમના પિતા આર્મીમાં હતા એટલે તેમનો ઉછેર દેશના જુદા-જુદા વિસ્તારમાં થયો હતો. કિરણના પિતા નિવૃત્ત થયા એ પછી તેઓ ચંડીગઢમાં સેટલ થયા હતા. કિરણે ત્યાં સ્કૂલનાં પાછલાં વર્ષોમાં અને કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. કિરણની બહેન કંવલ ઠાકર સિંઘ અને કિરણ ખૂબ જ સારું બૅડ્મિન્ટન રમતાં હતાં અને તેઓ કંવલ સિસ્ટર્સ તરીકે જાણીતાં હતાં. કિરણની બહેન કંવલ ઠાકર સિંઘ અર્જુન અવૉર્ડ વિજેતા હતી અને ઇન્ડિયન ટીમની કૅપ્ટન હતી. કિરણ કૉલેજમાં હતાં એ સમયે તેઓ નાટ્યપ્રવૃત્તિ કરતાં હતાં અને એ સમય દરમ્યાન જ સુનીલ દત્ત અને નર્ગિસ દત્ત તેમની નવી ફિલ્મ માટે હિરોઇન તરીકે કોઈ ફ્રેશ ચહેરો શોધી રહ્યાં હતાં. તેઓ એક વખત સંજય દત્તને મળવા માટે કસૌલી ગયાં હતાં. એ સમયમાં સંજય કસૌલીમાં અભ્યાસ કરતો હતો. તેઓ કસૌલી સંજયને મળવા ગયાં એ વખતે તેમને એક લોકલ સ્ટુડિયોમાંથી કિરણ ખેર વિશે ખબર પડી. એ સમયે કિરણ ખેર ખૂબ નાટ્યપ્રવૃત્તિ કરતાં હતાં અને તેઓ બૅડ્મિન્ટનનાં ખૂબ સારાં પ્લેયર હતાં એટલે તેમના વિશે સ્થાનિક અખબારોમાં ખૂબ લખાતું પણ હતું. નર્ગિસ દત્ત અને સુનીલ દત્ત કિરણ ખેરના ઘરે ગયાં અને તેમણે કહ્યું કે ‘અમે તને અમારી નવી ફિલ્મ માટે સાઇન કરવા માગીએ છીએ. તું અમારી સાથે મુંબઈ ચાલ.’ 

કિરણ ખેર નર્ગિસ અને સુનીલ દત્ત સાથે મુંબઈ આવ્યાં. મુંબઈમાં કિરણનાં એક આંટી રહેતાં હતાં. કિરણ તેમની સાથે રહેવા માંડ્યાં. સુનીલ દત્ત અને નર્ગિસ દત્તે કિરણ ખેરને તેમની નવી ફિલ્મ માટે સાઇન કરી લીધાં, પરંતુ તેમની ખૂબ ઇચ્છા હોવા છતાં તેઓ જે ફિલ્મ બનાવવા માગતાં હતાં એ બની શકી નહીં, કારણ કે એ વખતે તેઓ ખરાબ સંજોગોનો સામનો કરી રહ્યાં હતાં. 

એ ફિલ્મ-પ્રોજેક્ટ અભેરાઈએ ચડી ગયો એટલે કિરણ ખેરે વિચાર્યું કે પુણેમાં જઈને એફટીઆઇમાં અભ્યાસ કરું અથવા તો દિલ્હીમાં નૅશનલ સ્કૂલ ઓઑ ડ્રામા (એનએસડી)માં અભ્યાસ કરું, પરંતુ તેમના પિતાએ એ માટે ઘસીને ના પાડી દીધી, કારણ કે ત્યાં કો-એજ્યુકેશન હતું એટલે કે છોકરા-છોકરીઓ સાથે

ભણતાં હતાં અને તેમના પિતા રૂઢિચુસ્ત હતા. 

એ પછી પોતાના થિયેટર-બૅગ્રાઉન્ડને કારણે કિરણ વૈકલ્પિક સિનેમા તરફ વળ્યાં. શ્યામ બેનેગલે જ્યારે ‘મંડી’ ફિલ્મનો પ્રોજેક્ટ હાથ ધર્યો ત્યારે કિરણ તેમને મળ્યાં હતાં અને શ્યામ બેનેગલે તેમને એ ફિલ્મમાં એક સાઇડ રોલ ઑફર કર્યો હતો, પરંતુ કિરણે એ રોલ કરવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે થિયેટર (નાટકોમાં)માં હું મુખ્ય અથવા તો મેજર રોલ જ કરું છું.

જોકે તેમણે શ્યામ બેનેગલને કહ્યું હતું કે એક દિવસ હું તમારી ફિલ્મમાં લીડ ઍક્ટર તરીકે અભિનય કરીશ અને ખરેખર વર્ષો પછી તેમણે શ્યામ બેનેગલની ‘સરદારી બેગમ’ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યું અને એ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે તેમને તેમનો પ્રથમ નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો

entertainment news bollywood events bollywood news bollywood gossips ashu patel kirron kher