મારી ઍક્શન-ફિલ્મો જોઈને ઘરમાં બધાનાં માથાં દુખવા લાગતાં હતાં

13 June, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુનીલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેણે ઇમેજ બદલવા માટે બહુ પ્રયાસ કર્યા હતા

સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટીએ તેની કરીઅરમાં અનેક પ્રકારના રોલ કર્યા છે, પણ તેણે જ્યારે બૉલીવુડમાં એન્ટ્રી લીધી હતી ત્યારે તેની ઇમેજ ઍક્શન-હીરોની હતી. સુનીલ શેટ્ટીએ પોતાની બૉલીવુડ-કરીઅર વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘હું માર્શલ-આર્ટિસ્ટ હતો એટલે મને અભિનયની ઑફર મળી. જ્યારે મને ફિલ્મોની પ્રથમ ઑફર મળી ત્યારે DVD પર ફિલ્મો આવવા લાગી હતી. લોકોએ વિચાર્યું કે કોઈ થિયેટરમાં જશે નહીં અને લોકો ઘરે બેસીને ફિલ્મો જોશે. એ પરિવર્તનના સમયમાં ઍક્શન ખૂબ ચાલતી હતી. હું માર્શલ આર્ટના બૅકગ્રાઉન્ડમાંથી આવું છું. કોઈએ મને સ્ટેજ પર લાઇવ જોયો. તેમણે મને ઑફર કરી. એક મુશ્કેલ સમયમાં મને તક મળી, કારણ કે ઍક્શન જ એવી છે જે માસ સુધી પહોંચે છે. મને તક મળી. જોકે થોડા સમય પછી મને લાગ્યું કે મારે ઇમેજ બદલવી જોઈએ. હકીકતમાં ઍક્શન-ફિલ્મો સફળ હતી. જોકે જ્યારે મારી દીકરી, મમ્મી અને પત્ની મારી ફિલ્મો જોતાં હતાં ત્યારે હું ઘરે જઈને પૂછતો કે ફિલ્મ કેવી લાગી? તો તેઓ કહેતાં કે સારી લાગી. જોકે હું નોટિસ કરતો કે મારી ઍક્શન-ફિલ્મો જોઈને બધાના માથામાં દુખાવો થવા લાગતો હતો. જ્યારે ઘરમાં માથાના દુખાવાની ગોળીઓ વધુ વપરાવા લાગી ત્યારે મને સમજાયું કે મારે ઇમેજ બદલવી જોઈએ. આ સમયે મેં ‘ગોપી કિશન’, ‘ધડકન’ અને ‘હેરાફેરી’ જેવી ફિલ્મો કરવાનો પ્રયાસ કર્યો. મારી ઘણી ફિલ્મો નથી ચાલી. આમ સતત પ્રયાસ કર્યા પછી હું ક્યાંક જઈને સ્થિર થયો.’

suniel shetty entertainment news bollywood bollywood news bollywood gossips