29 May, 2026 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મના ભવ્ય સેટ પરથી લીક થયેલી આ તસવીરમાં બ્લુ પડદાનું બૅકડ્રૉપ જોવા મળે છે
એસ.એસ. રાજામૌલીની આગામી ફિલ્મ ‘વારાણસી’નું શૂટિંગ હાલમાં જોરશોરથી ચાલી રહ્યું છે અને સેટ પરથી સામે આવેલી નવી તસવીરથી ખબર પડે છે કે આખી ટીમ હાલ શૂટિંગના કયા તબક્કે પહોંચી છે. હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહેલી આ નવી તસવીર પ્રસિદ્ધ ઉગ્રભટ્ટી ગુફાના સીનની હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઉગ્રભટ્ટી ગુફાની ઝલક મહેશ બાબુ અને પ્રિયંકા ચોપડાનાં પાત્રોના પોસ્ટર અને ટ્રેલરમાં પ્રથમ વખત જોવા મળી હતી. આ ફિલ્મનાં દૃશ્યો લીક ન થાય એ માટે સેટ પર ટાઇટ સિક્યૉરિટી રાખવામાં આવી છે પણ આમ છતાં સેટની આ તસવીર લીક થઈ ગઈ છે.
ફિલ્મના ભવ્ય સેટ પરથી લીક થયેલી આ તસવીરમાં બ્લુ પડદાનું બૅકડ્રૉપ જોવા મળે છે અને એની આસપાસ કોતરાયેલી ચટ્ટાનો તેમજ પથ્થરના થાંભલાની રચનાઓ નજરે પડે છે. જો આ પોસ્ટ સાચી હોય તો આ સીન હિન્દુ દેવી માતા છિન્નમસ્તા દેવીનાં દર્શનથી ભરપૂર એક યાદગાર ક્ષણ બનશે.
ફિલ્મના ટીઝરમાં માતા છિન્નમસ્તા દેવીને પોતાનું કપાયેલું મસ્તક હાથમાં પકડીને પોતાના સેવકોને લોહી પીવડાવતાં દર્શાવવામાં આવ્યાં હતાં. રિપોર્ટ મહેશ બાબુ પ્રાચીન કલાત્મક વસ્તુઓની શોધમાં એ ગુફા સુધી પહોંચે છે, જ્યાં તે એક પ્રાચીન દુષ્ટ શક્તિને હરાવવા માટે દેવીની દિવ્ય કૃપા મેળવવા માગે છે. હાલમાં આ દૃશ્યના શૂટિંગ વખતની તસવીર જ લીક થઈ છે.