સોનુ સૂદ છે રિયલ હીરો: આખી ટ્રેન બુક કરાવીને પરપ્રાંતીયોને ઘરે મોકલ્યા

02 June, 2020 04:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોનુ સૂદ છે રિયલ હીરો: આખી ટ્રેન બુક કરાવીને પરપ્રાંતીયોને ઘરે મોકલ્યા

સોનુએ ટ્રેનમાં બેઠેલા મજૂરોને અલવિદા કહેતા કહ્યું હતું કે, જલ્દી પાછા આવજો

કોરોના વાયરસ (COVID-19)ને લીધે અનેક પરપ્રાંતીય મજુરો અટવાઈ ગયા છે અને તેમને પોતાના ઘરે પહોચાડવાનું બીડું અભિનેતા સોનુ સૂદએ ઝડપ્યું છે. પ્રવાસી શ્રમિકોને ઘરે પહોંચાડવા માટે સરકાર કરતાં પણ વધુ મહેનત સોનુ સૂદ સ્વખર્ચે કરી રહ્યો છે. સોનુ સૂદ ખરેખર રિયલ હીરો છે. તેણે અત્યાર સુધીમાં હજારો પ્રવાસી મજૂરોને સ્વખર્ચે બસ બુક કરીને પોતાના ઘરે પહોંચાડયા છે. ફરી એકવાર સોનુ પરપ્રાંતીયોની મદદે આવ્યો છે અને સહુના દિલ જીતી લીધા છે. આ વખતે સોનુએ આખી ટ્રેન બુક કરાવીને 1200 મજૂરોને મુંબઈથી બિહાર પહોંચાડયા હતા. તેણે થાણેથી આખી ટ્રેન બુક કરાવી હતી.

અભિનેતા સોનુ સૂદ 18-18 કલાક કામ કરીને પરપ્રાંતીય મજૂરોને સતત મદદ કરી રહ્યો છે. તેની ટીમ લોકોની મદદ માટે રાત-દિવસ તૈયાર હોય છે. બસથી લોકોને ઘરે પહોંચાડયા બાદ હવે સોનુએ 1200 મજૂરોને ટ્રેન દ્વારા તેમના ઘરે પહોંચાડયા હતા. રવિવારે રાત્રે સોનુએ થાણે સ્ટેશનથી આખી ટ્રેન બિહાર માટે સ્વખર્ચે બુક કરાવી હતી. એટલું જ નહીં મજૂરોને પુરતી વ્યવસ્થા મળી રહે તેની ખાતરી કરવા માટે અભિનેતા જાતે સ્ટેશન પહોંચ્યો હતો. મજૂરોને રસ્તામાં કોઈ તકલીફ ન પડે એટલે તેમને ફુડ પેકેટ્સ અને સાવચેતી માટે તેમને સેનિટાઈઝર પણ આપવામાં આવ્યા હતાં.

મહારાષ્ટ્ર સરકારની મદદથી સોનુ આ કાર્ય કરી રહ્યો છે. લોકોને મદદ કરવા બાબાતે સોનુએ કહ્યું હતું કે, સારા કાર્યમાં મદદ કરવા માટે હું મહારાષ્ટ્ર સરકારનો આભાર માનું છું. પરપ્રાંતીયોને મદદ કરવા માટે મારાથી બનશે તેટલા પ્રયત્નો કરીશ. મે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી દરેક પરપ્રાંતીય શ્રમિક મજૂર પોતાના ઘરે નહીં પહોંચે ત્યાં સુધી હું ઝંપીશ નહીં.

સોનુએ ટ્રેનમાં બેઠેલા મજૂરોને અલવિદા કહેતા કહ્યું હતું કે, જલ્દી પાછા આવજો.

entertainment news bollywood bollywood news bollywood gossips sonu sood coronavirus covid19 lockdown