સોનુ સૂદનો ફૂડ મંત્ર : નૉન-વેજ અને આલ્કોહોલ તો ક્યારેય નહીં

14 January, 2025 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટર સોનુ સૂદ ૫૧ વર્ષે પણ પોતાના સિક્સ-પૅક ઍબ્સ અને સ્નાયુબદ્ધ શરીર માટે જાણીતો છે. તાજેતરમાં એક પૉડકાસ્ટમાં વાતચીત કરતી વખતે સોનુએ પોતાના ફિટનેસ-રૂટીન અને ડાયટ વિશે વાત કરી હતી

સોનુ સૂદ

ઍક્ટર સોનુ સૂદ ૫૧ વર્ષે પણ પોતાના સિક્સ-પૅક ઍબ્સ અને સ્નાયુબદ્ધ શરીર માટે જાણીતો છે. તાજેતરમાં એક પૉડકાસ્ટમાં વાતચીત કરતી વખતે સોનુએ પોતાના ફિટનેસ-રૂટીન અને ડાયટ વિશે વાત કરી હતી. પોતાના આહાર વિશે વાત કરતાં સોનુએ કહ્યું હતું કે ‘હું હંમેશાં વેજિટેરિયન રહ્યો છું અને ક્યારેય આલ્કોહોલ કે નૉન-વેજનું સેવન નથી કરતો. આ ઉંમરે પણ મારી આટલી સારી ફિટનેસનું રહસ્ય મારા પંજાબી જિન્સ અને મારા પિતા તરફથી વારસામાં મળેલી સ્ટ્રેંગ્થ છે. મારા પરિવારમાં એકમાત્ર હું જ એવી વ્યક્તિ છું જેણે ક્યારેય નૉન-વેજ કે આલ્કોહોલને હાથ નથી અડાડ્યો. હું ક્યારેય પાર્ટીમાં નથી જતો.’

સોનુ સૂદ નૉન-વેજ નથી ખાતો, પણ ઈંડાં ખાવામાં તેને સમસ્યા નથી. તેણે જણાવ્યું કે ‘હું વેજિટેરિયન હોવા છતાં ઈંડાં ખાઉં છું. મારા પરિવારને મારી સામે મોટી ફરિયાદ છે કે હું મારી ભાવતી વસ્તુ બનાવવા માટે ક્યારેય નથી કહેતો અને તેઓ જે બનાવે એ ખાઈ લઉં છું. ટ્રાવેલિંગ દરમ્યાન પણ મને સૅલડ, એગ-વાઇટ, દાલ-રાઇસ ખાવાનું ગમે છે. હું દાલ-રાઇસ ખાઈને આખું જીવન પસાર કરી શકું છું.’

sonu sood indian food diet bollywood news bollywood entertainment news