શિવસેનાની ટીકા બાદ મુખ્ય પ્રધાનની મુલાકાત લીધી સોનુ સુદે

08 June, 2020 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવસેનાની ટીકા બાદ મુખ્ય પ્રધાનની મુલાકાત લીધી સોનુ સુદે

સોનુ સુદ માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સાથે

લૉકડાઉનના સમયમાં રાજ્યમાં અનેક પરપ્રાંતીય કામદારોની મદદ કરવા બદલ અભિનેતા સોનુ સૂદની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સોનુ સૂદે લૉકડાઉનમાં મુંબઈમાં ફસાયેલા હજારો મુસાફરોને તેમના ઘરે પહોંચતા કર્યા એ બદલ સોશ્યલ મીડિયા પર તેની પ્રશંસાના પુલ બંધાઈ રહ્યા છે. તાજેતરમાં જ શિવસેનાએ અભિનેતાની ટીકા કરી હતી. તે પછી ગઈકાલે સોનુ સૂદએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી. ત્યારે ઉદ્ધવ ઠાકરેનો દીકરો આદિત્ય ઠાકરે અને પ્રધાન અસલમ શેખ પણ ઉપસ્થિત હતા.

ઉદ્ધવ ઠાકરે અને સોનુ સૂદની મુલાકાત વિષે આદિત્યએ ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, આજે સાંજે સોનુ સૂદ અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની મુલાકાત થઈ. સોનુ સૂદને મળીને ખુશી થઈ. આ સાથે જ બન્નેએ કોરોના માટે કરવામાં આવતા રાહત કાર્યોની ચર્ચા કરી. ઘણા બધા લોકોની મદદથી ઘણા લોકોને મદદ કરવાની ઈચ્છા છે. બધા સાથે મળીને કામ કરીશું. એક સારા વ્યક્તિની મુલાકાત કરીને સારુ લાગ્યું.  

અભિનેતાએ આ ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યું હતું કે, મળીને બહુ સારુ લાગ્યું. મારા પરપ્રાંતીય મજૂર ભાઈબંધોનું તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં મારી મદદ કરવા માટે આપનો આભાર.

સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં સોનુ સૂદના પરોપકારી કાર્ય પર પ્રશ્ન ઉઠાવતાં ઉદ્ધવ ઠાકરે સરકારને બદનામ કરવાના હેતુથી સોનુ સૂદનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. અભિનેતાને બીજેપીનો હાથો ગણાવતા રાઉતે કહ્યું હતું કે મહાત્મા સોનું સૂદ રાજ્યપાલને મળી ચૂકયો છે. બહુ જલ્દી તે વડા પ્રધાનને પણ મળશે.

‘કોરોનાકાળમાં કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકારની કોશિશો પણ નાકામ રહી ત્યારે એક માણસ આટલુંબધું કામ કઈ રીતે કરી શકે છે. સોનુ સૂદ પાસે એવી કઈ યંત્રણા છે કે તે હજારો મજૂરોને ઘરે પહોંચતા કરવાની વ્યવસ્થા કરી શકે છે. અન્ય સેલિબ્રિટીઓએ પણ પરપ્રાંતીયોની મદદ કરી પણ તેમનું કાર્ય ગુપ્ત રહ્યું, કારણ કે એ પૂર્વયોજિત નહોતું’ એવી ટીકા પણ સંજય રાઉતે કરી છે.

સંજય રાઉતની ટીકાનો જવાબ ટ્વિટરના માધ્યમથી આપતાં બીજેપીના સંસદસભ્ય રામ કદમે કહ્યું કે ‘રાઉતનું નિવેદન ખૂબ ખેદજનક છે. રાજ્ય સરકારને જે અપયશ મળ્યો છે એ સોનુ સૂદ પર આક્ષેપ કરવાથી ટળી નહીં જાય. સોનુ સૂદ જેવા માણસો લોકોની વહારે આવે તો તેમની પ્રશંસા કરવાના સ્થાને ટીકા કરવી એ કઈ માણસાઈ છે એવો પ્રશ્ન પણ રામ કદમે કર્યો હતો.

‘સરકાર પોતે કંઈ કરી શકતી ન હોય ત્યારે સોનુ સૂદ જેવા સેવાભાવી માણસો આગળ આવીને ગરીબ પરપ્રાંતીયોની મદદ કરે તો તેમની ટીકા કરવી એ જ શું તમારી માણસાઈ છે’ એવો પ્રશ્ન બીજેપીના વિધાનસભ્ય રામ કદમે સંજય રાઉતને કર્યો છે.

coronavirus covid19 lockdown bollywood bollywood news bollywood gossips sonu sood uddhav thackeray aaditya thackeray sanjay raut shiv sena