બ્લડ કૅન્સરના દરદીઓની મદદ માટેની પહેલ શરૂ કરી સોનુ સૂદે

24 January, 2021 02:33 PM IST  |  Bangalore | Gujarati Mid-day Correspondent

બ્લડ કૅન્સરના દરદીઓની મદદ માટેની પહેલ શરૂ કરી સોનુ સૂદે

સોનુ સૂદ

સોનુ સૂદે બ્લડ કૅન્સરના દરદીઓની મદદ કરવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. સોનુ સૂદે લૉકડાઉનમાં લોકોની જે પ્રકારે મદદ કરી હતી એને જોતાં લોકો તેને મસીહા માની રહ્યા છે. હવે તેણે એક નૉન-પ્રૉફિટ સંસ્થા DKMS BMST સાથે હાથ મિલાવ્યા છે. આ સંસ્થા બ્લડ કૅન્સર, થૅલેસેમિયા અને એમિનિયા જેવી બીમારીઓનો સામનો કરવામાં મદદ કરે છે. સોનુએ જે પહેલ શરૂ કરી છે એના અંતર્ગત બ્લડ સ્ટેમ સેલ દાતાઓના રૂપમાં ૧૦,૦૦૦ લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. વિશ્વમાં કૅન્સરની વધતી બીમારીઓમાં ભારત ત્રીજા સ્થાને છે. એવામાં લોકોમાં કૅન્સર પ્રત્યે સજાગતા લાવવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. એ વિશે એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે. એ વિડિયોમાં સોનુ સૂદે કહ્યું હતું કે ‘મેં સમાજ માટે કામ કરવાનો નિર્ણય જાતે જ લીધો છે. એનું કોઈ ખાસ કારણ નથી, પરંતુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાનો મેં પ્રયાસ કર્યો છે, પછી એ પ્રવાસી મજૂરો હોય, કોઈ વિદ્યાર્થી હોય કે કોઈ દરદી હોય. કોવિડ-19એ દરેકના જીવનને અસર કરી છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે ભારતમાં હજી પણ લાખોની સંખ્યામાં દરદીઓ છે, જે બ્લડ કૅન્સર અથવા તો બ્લડ ડિસઑર્ડર્સથી પીડાઈ રહ્યા છે. તેમને આપણી તરત મદદની જરૂર છે. એક સંભવિત બ્લડ સેલ ડોનરના રૂપમાં આગળ આવીને તેમની લાઇફમાં આશા જગાવી શકે છે. એવી મન્શા સાથે હું એની જવાબદારી લેતાં ૧૦,૦૦૦ સંભવિત બ્લડ સ્ટેમ સેલ દાતાઓ સાથે જોડાઈને તેમને પ્રોત્સાહન આપવા માગું છું. આ નેક કાર્ય માટે DKMS BMST જેવી સંસ્થાઓનો આભાર માનું છું. જે તકલીફોથી આ દરદીઓ પસાર થઈ રહ્યા છે, એ વિશે આપણે વિચાર સુધ્ધાં નથી કરી શકતા. દુઃખની આ ઘડીમાં તેમની સાથે જોડાવાથી વધુ સારું કાંઈ ન હોઈ શકે.’ 

entertainment news bollywood bollywood news sonu sood