07 August, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ
થોડા સમય પહેલાં સોનુ સૂદનો જન્મદિવસ હતો અને એ દિવસે તેને દેશભરમાંથી શુભેચ્છા મળી હતી. હાલમાં એક ઇન્ટરવ્યુમાં સોનુએ પોતાના ભવિષ્યના આયોજનની વાત કરી છે. સોનુએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘આ વખતે જન્મદિવસે મેં એક નવું કામ શરૂ કર્યું છે. અમે એક મોટો વૃદ્ધાશ્રમ બનાવી રહ્યા છીએ, જેમાં લગભગ ૫૦૦ વૃદ્ધો રહી શકશે. હું હંમેશાં વિચારું છું કે જે વૃદ્ધોએ પોતાનું આખું જીવન પરિવાર અને સમાજ માટે આપ્યું છે તેમને આજે એકલા ન છોડવા જોઈએ. મારું સપનું છે કે હું મારો નેક્સ્ટ જન્મદિવસ એ જ વૃદ્ધો સાથે ત્યાં ઊજવી શકું.’
પોતાના આગામી આયોજન વિશે વાત કરતાં સોનુએ કહ્યું હતું કે ‘હું ખેડૂતો પર એક ફિલ્મ બનાવી રહ્યો છું. આ મારા માટે ખૂબ ખાસ છે. હું ઘણાં રાજ્યોમાં જઈને અસલી ખેડૂતોને મળ્યો છું. તેમનું જીવન, તેમનો સંઘર્ષ, તેમની ધીરજ... એ બધું મને ઘણું શીખવી ગયું. ફિલ્મ ફક્ત ખેતીની વાત નહીં કરે; પરંતુ ખેડૂતોની વિચારસરણી, મહેનત અને આત્મસન્માનને દર્શાવશે. હું જાતે એનું નિર્દેશન કરી રહ્યો છું. આ એટલા માટે નથી કે હું નિર્દેશક બનવા માગું છું, પરંતુ એટલા માટે કે હું ઇચ્છું છું કે એ વાત કહેવામાં આવે. મને લાગે છે કે હવે એ સમય છે જ્યારે સિનેમા ફક્ત મનોરંજન જ નહીં, પરંતુ સમાજની વાત પણ કરે. ખેડૂતો હોય, મજૂરો હોય કે આપણા વૃદ્ધો... તેમની વાર્તા કહેવી ખૂબ જરૂરી છે. હું એવી ફિલ્મો બનાવવા માગું છું જે દિલથી નીકળેલી હોય અને લોકોને કંઈક વિચારવા મજબૂર કરે.’