✕

મને ૧૦૦૦ વાર માફી માગવામાં પણ કોઈ તકલીફ નથી : સોનુ નિગમ

21 October, 2026 09:23 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

અબૅન્ગલોરમાં યોજાનારી સોનુની કૉન્સર્ટ પહેલાં ‘કર્ણાટક રક્ષણા વેદિકે’ નામના સંગઠનના પ્રદેશ અધ્યક્ષ ટી. એ. નારાયણ ગૌડાએ પોલીસને કાર્યક્રમની મંજૂરી ન આપવાની માગણી કરી હતી. ત્યાર બાદ સોનુએ નારાયણ ગૌડા સાથે વાતચીત કરી હતી ને માફી માગતાં કહ્યું હતું.

સોનુ નિગમ

ગાયક સોનુ નિગમનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે જેમાં તે કર્ણાટકના કન્નડા લોકોની માફી માગતો જોવા મળી રહ્યો છે. હકીકતમાં ગયા વર્ષે મે મહિનામાં સોનુએ બૅન્ગલોરમાં કૉન્સર્ટ કરી હતી, જ્યાં કેટલાક લોકોએ વારંવાર તેની પાસે કન્નડા ગીત ગાવાની માગણી કરી હતી. આ વાતથી પરેશાન થઈને ગાયકે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે આવા દુરાગ્રહને કારણે જ પહલગામમાં હુમલો થયો હતો. આ નિવેદન બાદ ભારે વિવાદ થયો હતો. કર્ણાટકમાં સોનુ નિગમ પર પ્રતિબંધ મૂકવાની માગણી ઊઠી હતી અને પોલીસે આ મામલે ફરિયાદ પણ નોંધાવી હતી. હવે આ સમગ્ર વિવાદના આશરે દોઢ વર્ષ બાદ સોનુ ફરી એક વાર બૅન્ગલોરમાં કૉન્સર્ટ કરવા જઈ રહ્યો છે ત્યારે તેનો માફી માગતો હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે.

બૅન્ગલોરમાં યોજાનારી સોનુની કૉન્સર્ટ પહેલાં ‘કર્ણાટક રક્ષણા વેદિકે’ નામના સંગઠનના પ્રદેશ અધ્યક્ષ ટી. એ. નારાયણ ગૌડાએ પોલીસને કાર્યક્રમની મંજૂરી ન આપવાની માગણી કરી હતી. ત્યાર બાદ સોનુએ નારાયણ ગૌડા સાથે વાતચીત કરી હતી ને માફી માગતાં કહ્યું હતું કે જરૂર પડે તો તે ૧૦૦૦ વાર પણ માફી માગી શકે છે. આ પછી નારાયણ ગૌડાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર સોનુનો માફી માગતો વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં સોનુએ કહ્યું હતું કે ‘મારા વહાલા કર્ણાટક પરિવાર, મારા કન્નડા લોકો... એ સાંજે શું થયું હતું એની સચ્ચાઈ મને, મારા ભગવાનને અને ત્યાં હાજર લોકોને ખબર છે. આમ છતાં નારાયણ ગૌડાજી સાથે મારી ખૂબ સારી વાતચીત થઈ છે. હું તેમનું ખૂબ સન્માન કરું છું. જ્યારે તમે કોઈને પ્રેમ કરતા હો અને એ સંબંધ જાળવી રાખવા માગતા હો ત્યારે ૧૦૦૦ વાર માફી માગવામાં પણ તમને કોઈ મુશ્કેલી પડતી નથી. એટલે મારા વહાલા પરિવાર, જો મારી કોઈ વાતથી અજાણતાં તમને દુખ પહોંચ્યું હોય તો એ બદલ મને ખૂબ અફસોસ છે. તમે છેલ્લાં ૩૦ વર્ષથી મને ખૂબ પ્રેમ અને સન્માન આપ્યું છે. હું નથી ઇચ્છતો કે કોઈ ગેરસમજ આપણા સંબંધને બગાડે. તમને સૌને ખૂબ પ્રેમ. ભગવાન તમને સૌને ખુશ રાખે. હું તમને પ્રેમ કરું છું.’

સોનુના આ વિડિયો પછી નારાયણ ગૌડાએ કહ્યું હતું કે સોનુની માફી બાદ સંગઠન પોતાનો વિરોધ સમાપ્ત કરી દેશે. તેમણે સંગીતને લોકોને શાંતિ અને સાંત્વન આપનારું ગણાવ્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે સોનુ ભવિષ્યમાં પણ કન્નડા ગીતો ગાશે અને કર્ણાટકમાં કાર્યક્રમો કરશે.

sonu nigam kannada karnataka bollywood controversies bengaluru bollywood news bollywood bollywood gossips entertainment news social media