04 November, 2026 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનમ
એક સમયની સુપરહૉટ અને ગ્લૅમરસ ઍક્ટ્રેસ સોનમે પોતાના ભૂતકાળ સાથે જોડાયેલું એક રસપ્રદ રહસ્ય જાહેર કર્યું છે. તેણે જણાવ્યું હતું કે એક સમયે તેને પોતાના સહકલાકાર સંજય દત્ત પ્રત્યે સીક્રેટ ક્રશ હતો પણ તેણે ક્યારેય સંજય સામે પોતાની લાગણી વ્યક્ત કરી નહોતી. સોનમ અને સંજયે ૧૯૯૦માં આવેલી ફિલ્મ ‘ક્રોધ’માં સાથે કામ કર્યું હતું. શશીલાલ કે. નાયરના ડિરેક્શનમાં બનેલી આ ઍક્શન ફિલ્મમાં સની દેઓલ અને અમૃતા સિંહે પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મમાં બદલો લેવાની વાર્તાની સાથે બન્ને ભાઈઓ વચ્ચેના સંબંધને પણ દર્શાવવામાં આવ્યો હતો.
સોનમે સોશ્યલ મીડિયા પોસ્ટમાં સંજય દત્ત સાથે કામ કરવાના દિવસોને યાદ કરતાં તેને શાનદાર સહકલાકાર ગણાવ્યો હતો. સોનમે સોશ્યલ મીડિયા પર સંજય સાથેની પોતાની એક જૂની તસવીર શૅર કરીને લખ્યું હતું કે ‘આખરે સંજુ બાબા મારા પેજ પર આવી જ ગયા. હું જે એકમાત્ર અભિનેતા સાથે કામ કરતી વખતે સીક્રેટ રીતે ખૂબ જ પ્રેમ કરવા લાગી હતી એ સંજુ બાબા જ હતા. તેમને આ વાતનો જરાય અંદાજ નહોતો અને મેં તેમને ક્યારેય કહ્યું પણ નહોતું. મારા માટે તેઓ સૌથી શાનદાર સહકલાકાર હતા અને તેમનું દિલ સોના જેવું છે. સંજુ બાબા સાથે મેં જે પણ ફિલ્મોમાં કામ કર્યું છે એની સાથે જોડાયેલી સુંદર યાદોને હું હંમેશાં સાચવીને રાખીશ.’