સલમાન ખાને સૌથી પહેલા પકડી પાડી હતી સોનાક્ષી અને ઝહીરની ચોરી, ઍક્ટ્રેસનો ખુલાસો

16 July, 2026 09:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોનાક્ષીએ વધુ એક મજેદાર કિસ્સો શૅર કરતાં કહ્યું કે, એક ટ્રૅકિંગ ટ્રિપ દરમિયાન સલમાન ખાન સીધો ઝહીર પાસે ગયો અને માત્ર એટલું જ કહ્યું, "દિખ રહા હૈ સબ." સલમાનના આ ચાર શબ્દો સાંભળીને બંને હસી પડ્યાં હતાં.

સલમાન ખાન, સોનાક્ષી સિન્હા અને ઝહીર ખાન

બૉલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને તેના પતિ ઝહીર ઇકબાલ પોતાની લવ સ્ટોરીને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. બંનેએ તાજેતરમાં નેહા ધૂપિયા અને અંગદ બેદીના શો `ડબલ ડેટ`માં હાજરી આપી હતી, જ્યાં તેમણે પોતાના સંબંધના શરૂઆતના દિવસો સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શૅર કર્યો. આ દરમિયાન સોનાક્ષીએ જણાવ્યું કે તેમની લવ સ્ટોરી વિશે સૌથી પહેલા જો કોઈને ખબર પડી હતી તો તે સલમાન ખાન હતો. ખાસ વાત એ છે કે સોનાક્ષી અને ઝહીરની પહેલી મુલાકાત કરાવવામાં પણ સલમાન ખાનનો જ મહત્વનો ફાળો હતો. બંનેએ જણાવ્યું કે શરૂઆતમાં તેઓ પોતે પણ પોતાના સંબંધને સ્વીકારવા તૈયાર નહોતા અને જ્યારે પણ સલમાન તેમને પૂછતો ત્યારે બંને વાત ટાળી દેતાં.

`અમારી વચ્ચે કંઈ નથી` એમ કહેતાં રહ્યાં, પણ સલમાનને બધું સમજાઈ ગયું

શો દરમિયાન ઝહીર ઇકબાલે કહ્યું, "અમે સલમાન ભાઈને કંઈ કહીએ તે પહેલાં જ તેમને ખબર પડી ગઈ હતી કે અમારા વચ્ચે કંઈક ચાલી રહ્યું છે." આગળ સોનાક્ષીએ હસતાં કહ્યું, "અમારી વચ્ચેની કેમિસ્ટ્રી સ્પષ્ટ દેખાતી હતી અને સલમાન એટલા પણ ભોળા નથી. જ્યારે પણ તેઓ પૂછતા કે શું ચાલી રહ્યું છે, ત્યારે અમે બંને કહી દેતા કે આવું કંઈ નથી. પરંતુ તેમને બધું સમજાઈ ગયું હતું."

સલમાને કહી હતી એવી વાત કે બંને ચોંકી ગયાં

સોનાક્ષીએ જણાવ્યું કે એક દિવસ સલમાન ખાને બંનેને કહ્યું હતું, "એક દિવસ તમારું બ્રેકઅપ થશે. પછી તું મારી પાસે આવીને રડીશ અને ઝહીર પણ મારી પાસે આવશે. હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું એટલે હું નથી ઇચ્છતો કે મને કોઈ એકનો પક્ષ લેવો પડે." સલમાનની આ વાત સાંભળીને બંનેને સમજાઈ ગયું કે તેઓ તેમના સંબંધ વિશે પહેલેથી જ બધું જાણતા હતા.

ટ્રૅકિંગ ટ્રિપમાં માત્ર ચાર શબ્દો અને બધું ક્લિયર થઈ ગયું

સોનાક્ષીએ વધુ એક મજેદાર કિસ્સો શૅર કરતાં કહ્યું કે, એક ટ્રૅકિંગ ટ્રિપ દરમિયાન સલમાન ખાન સીધો ઝહીર પાસે ગયો અને માત્ર એટલું જ કહ્યું, "દિખ રહા હૈ સબ." સલમાનના આ ચાર શબ્દો સાંભળીને બંને હસી પડ્યાં હતાં. તેમને સમજાઈ ગયું કે હવે તેમના સંબંધની વાત કોઈનાથી છૂપી રહી નથી.

પ્રેમથી લગ્ન સુધીની સફર પણ કરી શૅર

આ એપિસોડમાં સોનાક્ષી સિન્હા અને ઝહીરે પોતાના સંબંધના શરૂઆતના દિવસો, સાથે વિતાવેલી ખાસ પળો અને લગ્ન સુધી પહોંચેલી તેમની સફર વિશે પણ મુક્તમને વાત કરી. બંનેએ સ્વીકાર્યું કે સલમાન ખાનથી પોતાનો સંબંધ છુપાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલે ગયા વર્ષે લગ્ન કર્યાં હતાં. તેમના લગ્ને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી હતી. હવે તેમની લવ સ્ટોરી સાથે જોડાયેલો આ નવો કિસ્સો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

zaheer iqbal sonakshi sinha Salman Khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news neha dhupia angad bedi