04 April, 2026 01:47 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
છેલ્લા બે મહિનાથી રાજસ્થાનમાં ચાલી રહ્યું છે દહાડ 2નું શૂટિંગ
સોનાક્ષી સિંહાને લીડ રોલમાં ચમકાવતી સિરીઝ ‘દહાડ’ની બીજી સીઝનનું શૂટિંગ હાલમાં જયપુર નજીકના શાહપુરાના રાડાવાસ ગામમાં ચાલી રહ્યું છે. આ સીઝનમાં સોનાક્ષી ફરી પાછી પોલીસ-ઑફિસર તરીકે જોવા મળશે. શૂટિંગ દરમ્યાન તે પોલીસ-યુનિફૉર્મમાં જોવા મળી રહી છે અને સેટ પરથી બહાર આવેલા કેટલાક વિડિયોમાં ઍક્શન-સીનનું શૂટિંગ કરતી જોવા મળી રહી છે.
રિપોર્ટ મુજબ આ સિરીઝનું છેલ્લા બે મહિનાથી ચોમુ, જમવારામ ગઢ, સાંભર અને સમોદ જેવા રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં શૂટિંગ થયું છે. આ સિરીઝમાં સોનાક્ષી સિવાય ગુલશન દેવૈયા, વિજય વર્મા અને સોહમ શાહ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
‘દહાડ’ એક સસ્પેન્સ અને ક્રાઇમ થ્રિલર સિરીઝ છે. એની પહેલી સીઝન ૨૦૨૩માં ૧૨ મેએ પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ હતી જેમાં સોનાક્ષીએ અંજલિ ભાટી નામની દમદાર પોલીસ-ઑફિસરની ભૂમિકા ભજવી હતી. હવે લગભગ ત્રણ વર્ષ પછી સોનાક્ષી ફરી એ જ પાત્રમાં કમબૅક કરવા તૈયાર છે. જોકે બીજી સીઝનની રિલીઝ-ડેટ વિશે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.