14 April, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શર્મિલા ટાગોર, સોહા અલી ખાન
થોડા સમય પહેલાં શર્મિલા ટાગોરે માહિતી આપી હતી કે ૨૦૨૩માં મેં કૅન્સરનો સામનો કર્યો હતો. શર્મિલાના આ ખુલાસાથી લોકોને ભારે આશ્ચર્ય થયું હતું, કારણ કે કોઈને એ વાતની ખબર નહોતી. જોકે ૨૦૦૩માં ‘કૉફી વિથ કરણ’માં શર્મિલા ટાગોરે દીકરા સૈફ અલી ખાન સાથે હાજરી આપી હતી અને એ શોમાં જ તેમને કૅન્સર થયું હોવાની વાત જાહેર થઈ ગઈ હતી. હવે શર્મિલાની દીકરી સોહા અલી ખાને એક ઇન્ટરવ્યુમાં તેની મમ્મીને થયેલી શારીરિક તકલીફ વિશે વિગતવાર વાત કરી છે.
સોહાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘મારી મમ્મીને કૅન્સર થયું હોવાને કારણે અમારો આખો પરિવાર સ્ટ્રેસની સ્થિતિમાંથી પસાર થયો હતો. જોકે અમે નસીબદાર હતા કે મમ્મીનું ફેફસાંનું કૅન્સર જ્યારે સ્ટેજ ઝીરો પર હતું ત્યારે જ અમને આ વાતની ખબર પડી ગઈ હતી. ત્યારે તેમના કૅન્સરની હજી શરૂઆત જ હતી એટલે તેમને કીમોથેરપી કરાવવાની જરૂર નહોતી જણાઈ. જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ પછી એ બીમારીને મમ્મીના શરીરમાંથી દૂર કરી નાખવામાં આવી હતી અને હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.’