ધારિણી ઠક્કરે સોનુ નિગમ સાથે ગાયું રામભજન

24 June, 2025 07:02 AM IST  |  Mumbai | Jigisha Jain

ધારિણી ઠક્કરે પહેલી વાર બૉલીવુડના પ્લેબૅક સિંગર સોનુ નિગમ સાથે પ્રચલિત રામભજન શ્રી રામચન્દ્ર કુપાલુ ભજ મન રેકૉર્ડ કર્યું છે.

રામભજન શ્રી રામચન્દ્ર કુપાલુ ભજ મન

અંબાણી વેડિંગ્સ દ્વારા ખાસ્સાં પૉપ્યુલર બનેલાં વિખ્યાત ગાયિકા ધારિણી ઠક્કરે પહેલી વાર બૉલીવુડના પ્લેબૅક સિંગર સોનુ નિગમ સાથે પ્રચલિત રામભજન શ્રી રામચન્દ્ર કુપાલુ ભજ મન રેકૉર્ડ કર્યું છે. એની મૂળ ધૂનને બદલ્યા વગર એના સંગીત પર કામ થયું છે જે યુવાનોને પણ આકર્ષે એવું છે

અંબાણી પરિવારમાં વેદિક વિધિથી થયેલાં લગ્નો ખાસ્સાં ચર્ચામાં રહ્યાં હતાં. એ વિધિઓને સંગીતમય બનાવનારાં જાણીતાં ગાયિકા ધારિણી ઠક્કરે હાલમાં બૉલીવુડના લોકપ્રિય પ્લેબૅક સિંગર સોનુ નિગમ સાથે મળીને એક રામભજન ગાયું છે જેનો વિડિયો પણ હાલમાં લૉન્ચ થયો છે. આ પહેલી વાર છે જ્યારે ધારિણી ઠક્કર અને સોનુ નિગમ બન્નેએ સાથે મળીને ગીત ગાયું છે એટલું જ નહીં, વિડિયોમાં પણ બન્ને સાથે રામભક્તિ કરતાં દેખાઈ રહ્યાં છે. 

સોનુ નિગમ સાથેનું આ કૉલેબરેશન કઈ રીતે થયું એ જણાવતાં ધારિણી ઠક્કર કહે છે, ‘ધ વેડિંગ ચૅન્ટ્‍સ નામનો મારો એક કન્સેપ્ટ છે જેમાં લગ્નપ્રસંગે અમે વેદિક શ્લોક અને મંત્રોચ્ચારને સંગીતબદ્ધ કરીને આખું એક વાતાવરણ ઊભું કરીએ છીએ. એમાં વરમાળા, ફેરા અને લગ્નની બાકીની વિધિઓ થતી હોય છે. ‘ઍનિમલ’ ફિલ્મ માટે જાણીતા મ્યુઝિક-ડિરેક્ટર શ્રેયસ પુરાણિકનાં લગ્નમાં અમે વેડિંગ ચૅન્ટ્‍સની જે પ્રસ્તુતિ કરી હતી એ સાંભળીને ત્યાં ફક્ત ૧૦ મિનિટ માટે આવેલા સોનુ નિગમસર આખા લગ્નમાં રોકાઈ ગયા હતા. તેમને એ ઘણું જ અદ્ભુત લાગેલું. એ દિવસે તેઓ અમને મળવા આવ્યા અને કહ્યું કે આ પ્રકારનું સંગીત તેમણે લગ્નમાં ક્યારેય સાંભળ્યું નથી. એ દિવસે જ તેમણે અમને કહેલું કે આપણે ચોક્કસ સાથે કામ કરીશું જે અમારા માટે ઘણી મોટી વાત હતી.’ 

એ મુલાકાત પછી નક્કી થયું કે સાથે એક ભજન કરીએ. એ વિશે વાત કરતાં ધારિણી ઠક્કર કહે છે, ‘ઘણા સમયથી ભજન તો હું ગાતી જ હતી. જ્યારથી અયોધ્યામાં રામ મંદિર બન્યું ત્યારથી મારી ઇચ્છા હતી કે જે લોકોના હૈયે વસેલું છે, બધાના હોઠે ચડેલું છે એવું એક રામભજન હું રેકૉર્ડ કરું. ‘શ્રી રામચંદ્ર કુપાલુ ભજ મન’ પર અમે અમારી પસંદગી ઉતારી અને આ બાબતે અમે સોનુ નિગમસર સાથે વાત કરી. તેમને પણ આ ભજન ખૂબ ગમે છે એટલે તેઓ ખુશ થઈ ગયા.’

આ ગીતનું મ્યુઝિક ભાવિક ઠક્કરે આપેલું છે. એ વિશે વાત કરતાં ભાવિક કહે છે, ‘આ ભજન અત્યંત પ્રાચીન છે. એની ધૂન સાથે અમે ચેડાં નથી કર્યાં. એ જ ધૂન રાખી છે કારણ કે અમે ઇચ્છતા હતા કે લોકો આ ગીત વાગે ત્યારે પોતે પણ સાથે ગાય. એની મ્યુઝિક-અરેન્જમેન્ટ અમે ઘણી અલગ કરી છે. એમાં થોડી વેસ્ટર્ન છાંટ પણ છે જેને લીધે યુથને પણ એ અપીલિંગ લાગે એવો પ્રયાસ અમે કર્યો છે.’ 

સોનુ નિગમ સાથે પહેલી વાર કામ કરવાનો અનુભવ વર્ણવતાં ધારિણી ઠક્કર કહે છે, ‘જે દિવસે અમે પહેલી વાર મળ્યાં ત્યારે જ સોનુસરે મને કહ્યું હતું કે તમે મારાં બહેન જ છો એમ માનીને હું તમારી સાથે કામ કરીશ. શૂટિંગમાં પણ આખી રાત શૂટ ચાલ્યું અને સવારે ૪ વાગ્યા સુધી એ થયું, પણ તેઓ આખા પ્રોજેક્ટથી ખુશ અને સંતુષ્ટ હતા. આટલા મોટા ગાયક છે તેઓ, પણ આ પ્રોજેક્ટને તેમણે કમર્શિયલ પ્રોજેક્ટ તરીકે લીધો જ નથી. સંગીત કઈ રીતે તમને એકબીજા સાથે જોડે છે એનું આ એક ઉદાહરણ છે.’

ધ વેડિંગ ચૅન્ટ્‍સની શરૂઆત કઈ રીતે થઈ?

ધારિણી ઠક્કરના ધ વેડિંગ ચૅન્ટ્‍સની શરૂઆત ૨૦૧૮માં ઈશા અંબાણીનાં લગ્નથી થઈ હતી. એ પછી આકાશ અને અનંત અંબાણીનાં લગ્નમાં તથા અનિલ અંબાણીના દીકરા જય અનમોલ અંબાણીનાં લગ્નમાં પણ તેઓ હતાં. ગૌતમ અદાણીના દીકરા જીત અદાણીનાં લગ્ન પણ આ જ રીતે થયાં. આ સિવાય ગાયક રાહુલ વૈદ્ય અને ટીવી-ઍક્ટ્રેસ દિશા પરમાર, ટીવી-ઍક્ટ્રેસ અંકિતા લોખંડે, ગાયક નીતિ મોહનનાં લગ્ન પણ ધારિણી ઠક્કરે વેદિક રીતે સંગીતમય બનાવ્યાં હતાં જેને કારણે લગ્નના કાર્યક્રમ માટે અંબાણી હોય કે અદાણી, બધાની ચૉઇસ ધારિણી એવું લોકો કહેતા થઈ ગયા છે.

sonu nigam dharini thakker indian music indian classical music bollywood buzz bollywood gossips bollywood entertainment news