17 July, 2025 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિધુ મૂસેવાલા
લોકપ્રિય પંજાબી સિંગર, રૅપર અને ઍક્ટર સિધુ મૂસેવાલા આજે આપણી વચ્ચે નથી; પરંતુ તેનાં ગીતોએ ચાહકો પર એવી છાપ છોડી છે જે કદાચ ક્યારેય ઓછી નહીં થાય. સિધુ મૂસેવાલાની ૨૦૨૨ની ૨૯ મેએ પંજાબના મનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને હવે ત્રણ વર્ષ પછી સિધુ મૂસેવાલાના ફૅન્સ માટે એક સારા સમાચાર છે. રિપોર્ટ પ્રમાણે સિધુ મૂસેવાલાની ટીમ એક વર્લ્ડ-ટૂરની યોજના બનાવી રહી છે, જેમાં તેનાં લોકપ્રિય ગીતો વગાડવામાં આવશે અને સ્ટેજ પર પર્ફોર્મન્સ વખતે તેના AI અવતારની મદદ લેવામાં આવશે. આ પહેલી વખત છે જ્યારે કોઈ કલાકારના નિધન પછી તેની આ રીતે કૉન્સર્ટ યોજવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હોય.
રિપોર્ટ પ્રમાણે સિધુ મૂસેવાલાની ‘સાઇન્ડ ટુ ગૉડ’ વર્લ્ડ-ટૂર ૨૦૨૬માં શરૂ થશે. આ ટૂરમાં 3D હોલોગ્રામ ટેક્નૉલૉજી અને ઑગમેન્ટેડ રિયલિટીનો ઉપયોગ કરવામાં આવશે. આમાં સિધુના મૂળ અવાજ સાથે તેના જીવન-કદનાં હોલોગ્રાફિક પ્રોજેક્શન, સિનેમૅટિક વિઝ્યુઅલ્સ અને હાઈ-એન્ડ સ્ટેજ-ઇફેક્ટ્સનો સમાવેશ થશે. આ ટૂર એક શ્રદ્ધાંજલિ કરતાં વધુ એવો વિશેષ પ્રયાસ છે જે સિધુના સંગીતમય વારસાને હાઇલાઇટ કરે છે.