23 December, 2025 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિઆરા અડવાણી હવે પોતાની આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ને કારણે ચર્ચામાં છે
ન્યુ મૉમ કિઆરા અડવાણી હવે પોતાની આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ને કારણે ચર્ચામાં છે. હાલમાં આ ફિલ્મનો કિઆરાનો ફર્સ્ટ લુક લૉન્ચ કરવામાં આવ્યો હતો. કિઆરાના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ ‘ટૉક્સિક’નું કિઆરાનું ફર્સ્ટ લુક પોસ્ટર પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કર્યું છે. જોકે આ પોસ્ટની સાથે જાણવા મળ્યું છે કે સિદ્ધાર્થ પોતાની પત્ની કિઆરાને પ્રેમથી ‘કિ’ કહીને બોલાવે છે.
સિદ્ધાર્થે સોશ્યલ મીડિયામાં ‘ટૉક્સિક’નું પોસ્ટર શૅર કરીને કૅપ્શન લખી છે કે ‘મને ખબર છે કે આની પાછળ કેટલી મહેનત લાગી છે. હું આ માટે ખૂબ જ ઉત્સાહિત છું ‘કિ’! ઘણોબધો પ્રેમ.’ કિઆરાએ પણ સિદ્ધાર્થની આ પોસ્ટને પોતાના સોશ્યલ મીડિયામાં ફરીથી શૅર કરી છે. કિઆરા અડવાણીનું સાચું નામ તો આલિયા અડવાણી છે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવવા માટે તેણે ‘કિઆરા’ નામ પસંદ કર્યું હતું, કારણ કે એ સમયે બૉલીવુડમાં આલિયા ભટ્ટ લોકપ્રિય થઈ ગઈ હતી. આજે પણ કિઆરા અમુક જગ્યાએ પોતાના મૂળ નામનો જ ઉપયોગ કરે છે. જોકે કિઆરાનો પતિ સિદ્ધાર્થ તેને આલિયા કે કિઆરા કહીને બોલાવવાના બદલે પ્રેમથી ‘કિ’ કહીને બોલાવે છે જે કિઆરાના નામના ઇનિશ્યલ્સ પરથી લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક સમયે સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ જગજાહેર રિલેશનશિપમાં હતાં.