10 March, 2024 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધાંત ચતુર્વેદી
સિદ્ધાંત ચતુર્વેદીએ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન : શિવા’માં કામ કરવાની ના પાડતાં તેને કાસ્ટિંગના લિસ્ટમાંથી બ્લૅકલિસ્ટ કરવામાં આવ્યો હતો અને તેની બદનામી પણ કરવામાં આવી હતી. ૨૦૧૯માં આવેલી ‘ગલી બૉય’ દ્વારા સિદ્ધાંત ખૂબ ફેમસ થયો હતો. આજે તેની પાસે થોડી ફિલ્મો છે. તે ‘યુધરા’માં દેખાવાનો છે. આયાન મુખરજીની ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં હતાં. આ ફિલ્મને લઈને કોઈ સ્પષ્ટતા ન હોવાને કારણે તેણે ફિલ્મ ઠુકરાવી દીધી હતી. એ વિશે સિદ્ધાંત ચતુર્વેદીએ કહ્યું કે ‘એ ફિલ્મને લઈને કોઈ સ્ક્રિપ્ટ નહોતી અને ન તો ઑડિશન હતું. મને માત્ર એટલું કહેવામાં આવ્યું હતું કે આ ત્રણ પાર્ટની ઍક્શન-ફૅન્ટસી ફિલ્મ હશે. ‘બ્રહ્માસ્ત્ર’માં મને સુપરહીરોનો રોલ આપવામાં આવ્યો હતો. મેં આયાનને કહ્યું કે મને સ્ક્રિપ્ટ આપો, જેથી હું એને સમજી શકું. હું ખૂબ ઉત્સુક હતો. સ્ક્રિપ્ટ નહોતી અને ફિલ્મ શરૂઆતના તબક્કામાં હતી. તેમણે મને કહ્યું કે આ ત્રણ ફિલ્મની ડીલ છે. મને સમજ નહોતી પઢતી કે હું શું કરું. એ રોલ માટે ઑડિશનની લાંબી લાઇન હતી.’
આ ફિલ્મ રિજેક્ટ થયા બાદ તેની બદનામી કરવામાં આવી હતી. એ વિશે સિદ્ધાંત ચતુર્વેદીએ કહ્યું કે ‘મને કાસ્ટિંગમાંથી બ્લૅકલિસ્ટ કરવામાં આવ્યો હતો. ‘આ છોકરો પાગલ છે’ એવું કહેવામાં આવ્યું હતું. કાસ્ટિંગ સર્કિટમાં હું બદનામ થઈ ગયો હતો કે સિલેક્ટ થઈને પણ તેણે રોલ ઠુકરાવી દીધો. તેઓ કહેતા કે તું છે કોણ? ઘમંડી છે. થોડો પાગલ લાગે છે. સદ્નસીબે એ ફિલ્મ બનતાં સમય લાગ્યો અને એ દરમ્યાન ‘ગલી બૉય’ આવી ગઈ. મને લાગે છે કે ‘બ્રહ્માસ્ત્ર’નું એ કૅરૅક્ટર તેમણે એડિટ કરી દીધું છે. ફિલ્મમાં એ રોલ નથી. જે થયું એ સારા માટે થયું.’