14 January, 2025 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂરના વૉલપેપરે જાહેર કરી દીધું તેની ડેટિંગ લાઇફનું રહસ્ય
બૉલીવુડ-બ્યુટી શ્રદ્ધા કપૂર તેના લાખો ચાહકોના દિલમાં વસે છે, પણ તેના દિલમાં કોણ છે એ વાત શ્રદ્ધાએ પોતે હજી ખુલ્લેઆમ નથી કહી. જોકે હાલમાં શ્રદ્ધાના ફોનના વૉલપેપરે આ રહસ્ય જાહેર કરી દીધું છે. હાલમાં શ્રદ્ધાનો એક ફોટો તેના ફોનના વૉલપેપર સાથે વાઇરલ થઈ રહ્યો છે અને તેના વૉલપેપરમાં દેખાતી વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ ૩૪ વર્ષનો લેખક રાહુલ મોદી છે. આ વૉલપેપરમાં શ્રદ્ધા અને રાહુલનો સેલ્ફી હતો. આ તસવીર સામે આવતાં સ્પષ્ટ થઈ ગયું છે કે બન્ને એકમેકને ડેટ કરી રહ્યાં છે. જોકે શ્રદ્ધા કે રાહુલે હજી સુધી સંબંધોનો સ્વીકાર નથી કર્યો.
‘આશિકી 2’ અને ‘સ્ત્રી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શ્રદ્ધા કપૂરનું નામ ઘણા કલાકારો સાથે જોડાયેલું છે. ચર્ચા છે કે તે આદિત્ય રૉય કપૂર સાથે પણ રિલેશનશિપમાં રહી ચૂકી છે. ત્યાર બાદ તેનું નામ સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે જોડવામાં આવ્યું. હવે શ્રદ્ધા તેનાથી ત્રણ વર્ષ નાના રાહુલ મોદીને ડેટ કરી રહી હોવાના સમાચાર આવી રહ્યા છે. રાહુલ અને શ્રદ્ધા પહેલી વાર ફિલ્મ ‘તૂ જૂઠી મેં મક્કાર’ના સેટ પર મળ્યાં હતાં. આ ફિલ્મમાં શ્રદ્ધા લીડ રોલમાં હતી, જ્યારે રાહુલ ફિલ્મનો કો-રાઇટર હતો. ફિલ્મના શૂટિંગથી જ તેમની રિલેશનશિપના સમાચાર હેડલાઇન્સમાં હતા. એ પછી શ્રદ્ધાએ સોશ્યલ મીડિયામાં એવી પોસ્ટ્સ કરી છે જેના પરથી કહી શકાય કે તેના અને રાહુલ વચ્ચે મિત્રતાથી વિશેષ સંબંધ છે.