શૉર્ટ ફિલ્મ 'કચ્ચે દિન' પ્રવાસી કામગારોના જીવનને દેખાડે છે

29 May, 2020 07:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શૉર્ટ ફિલ્મ 'કચ્ચે દિન' પ્રવાસી કામગારોના જીવનને દેખાડે છે

શૉર્ટ ફિલ્મ ‘કચ્ચે દિન’ના પ્રોડ્યુસર-ડિરેક્ટર શૈલેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ ફિલ્મ માઇગ્રન્ટ વર્કર્સના સંઘર્ષને દેખાડશે. લૉકડાઉનને કારણે અનેક કામગારોની આજીવિકાનો સવાલ ઊભો થયો છે. સાથે જ અનેક શ્રમિકોને પણ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે એ મુંબઈના એક ટૅક્સી-ડ્રાઇવરના જીવન પર આધારિત છે જે ઉત્તર પ્રદેશથી મુંબઈ કમાવા આવે છે. આ ફિલ્મમાં દીપક ડોબરિયાલ, યશપાલ શર્મા, ટીના સિંહ અને અશરત જૈન લીડ રોલમાં છે. ફિલ્મ વિશે શૈલેન્દ્ર સિંહે કહ્યું હતું કે ‘આપણે એ ગરીબ લોકોનો ઉપયોગ આપણી લાઇફસ્ટાઇલ બનાવવા, આપણું શહેર, આપણો બિઝનેસ બનાવવા અને આપણી તકલીફને દૂર કરવામાં કરીએ છીએ. ત્યાર બાદ તેમને બહાર ધકેલી દઈએ છીએ. જો આપણા પ્રશાસનમાં એ લોકો માટે થોડી પણ દયા હોત તો એ લોકોને આજે રસ્તા પર મરવાનો વારો ન આવ્યો હોત. સિસ્ટમનો ખરો ચહેરો આ કપરા સમયમાં જોવા મળ્યો છે. હું વરલીમાં ઘણાં વર્ષોથી રહું છું અને હું જાણું છું કે મુંબઈ અને અન્ય મેટ્રો શહેરોને આ માઇગ્રન્ટ વર્કર્સે વિકસાવ્યાં છે. આપણે જે લાઇફસ્ટાઇલ પાછળ આકર્ષિત થયા છીએ, મોટાં શહેરોમાં આવીને આપણે વસીએ છીએ, એને આ લોકોએ જ બનાવ્યાં છે. એક એવો સમાજ જેમની તરફ આપણે દુર્લક્ષ કરીએ છીએ. આપણે જ્યારે ભવ્ય રૂમમાં બેસીને જમીએ છીએ તો કદી પણ એ લોકો વિશે વિચારીએ છીએ જે આપણા ટેબલ સુધી ભોજન લઈને આવ્યા છે? લોકો ઝૂંપડાઓમાં રહે છે તેમના કારણે જ આજે આપણે આરામદાયક ઘરોમાં રહીએ છીએ. લૉબ્સ્ટર્સ ખાતી વખતે આપણે એ માછીમારોનો ખ્યાલ કરીએ છીએ અને ધારાવીમાં રહેતા લોકો વિશે કદી એમ વિચાર્યું છે કે તેમને પણ સારી લાઇફ મળવી જોઈએ? આપણે જ્યારે કૅબમાં બેસીએ છીએ તો કદી પણ ડ્રાઇવરને એમ પૂછ્યું છે કે ભાઈ તું કેમ છે? મેં આ ફિલ્મ એ લોકોના વાસ્તવિક જીવનને દેખાડવા માટે અને સમાજમાં તેમણે આપેલા યોગદાન પ્રતિ લોકોને સજાગ કરવા બનાવી છે.’

entertainment news bollywood bollywood news upcoming movie