17 April, 2026 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌતે આ મુદ્દે ખુલ્લેઆમ દીપિકાનું સમર્થન કર્યું છે
થોડા સમય પહેલાં દીપિકા પાદુકોણે ૮ કલાકની વર્ક-શિફ્ટની ડિમાન્ડ કરતાં તેની સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’માંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ પછી આ જ ડિમાન્ડને કારણે તેને ‘કલ્કિ 2898 AD’માં પણ સાઇન કરવામાં નહોતી આવી. આ મુદ્દાને કારણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં વર્ક-લાઇફ બૅલૅન્સ વિશે ભારે ચર્ચા થઈ હતી. હવે કંગના રનૌતે આ મુદ્દે ખુલ્લેઆમ દીપિકાનું સમર્થન કર્યું છે.
આ મામલે વાત કરતાં કંગનાએ જાહેરમાં કહ્યું હતું કે ‘દીપિકાએ પોતાની કરીઅરમાં જે સ્થાન મેળવ્યું છે એ મુજબ તેને આવી ડિમાન્ડ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. દીપિકા આજે ટોચની અભિનેત્રી છે અને સાથે જ એક માતા પણ છે એથી જો તે ૮ કલાક કામ કરવા ઇચ્છે છે તો એ યોગ્ય છે. જ્યારે કોઈ કલાકાર ઇન્ડસ્ટ્રીમાં નવો હોય છે ત્યારે વધુ મહેનત કરવી પડે છે અને લાંબા કલાકો કામ
કરવું પડે છે. જોકે કોઈ ઍક્ટર દીપિકાની જેમ ટોચ પર પહોંચે છે ત્યારે તેની પરિસ્થિતિ અને પસંદગીઓ બદલાઈ જાય છે.’
કંગનાએ આ મુદ્દે વાત કરતી વખતે પોતાના જૂના દિવસો પણ યાદ કર્યા હતા. તેણે જણાવ્યું કે જ્યારે તે અને દીપિકા પોતાની કરીઅરની શરૂઆતના તબક્કામાં હતાં ત્યારે ૧૨–૧૪ કલાક કામ કરવું સામાન્ય બાબત હતી; એ સમયે સફળતા મેળવવાની તલપ વધુ હતી અને કલાકો વિશે વિચારવાનું ઓછું હતું, પરંતુ સમય સાથે પ્રાથમિકતાઓ બદલાય છે.