13 December, 2025 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શત્રુઘ્ન સિન્હા
આવું કહીને શત્રુઘ્ન સિંહાએ જયા બચ્ચને કરેલી કમેન્ટને ટૉન્ટ માર્યો
હાલમાં જયા બચ્ચનની એક કમેન્ટ બહુ ચર્ચાસ્પદ સાબિત થઈ હતી જેમાં તેમણે ફોટોગ્રાફર્સના ‘ગંદાં કપડાં’ વિશે કમેન્ટ કરી હતી અને તેમના કલ્ચરની કડક ટીકા કરીને શિક્ષણથી લઈને પહેરવેશ સુધી દરેક બાબત પર સવાલ ઉઠાવ્યા હતા. હવે શત્રુઘ્ન સિંહાએ એક કાર્યક્રમમાં જયાની આ કમેન્ટ્સનો આડકતરી રીતે જવાબ આપ્યો છે.
હાલમાં શત્રુઘ્ન સિંહાનો એક વિડિયો ચર્ચામાં છે જેમાં તેઓ ફોટોગ્રાફર્સને કહે છે કે ‘તમે લોકો સારું પૅન્ટ પણ પહેરો છો અને સારું શર્ટ પણ પહેરો છો. તમે લોકો બહુ સારા છો.’ વિડિયોમાં દેખાય છે કે આ કમેન્ટ સાંભળીને તેની બાજુમાં બેઠેલી પૂનમ ઢિલ્લોં હસવા માંડી અને આસપાસના લોકો પણ હસી પડ્યા હતા.
શત્રુઘ્ન સિંહા અને બચ્ચન-પરિવારના સંબંધો વચ્ચે સમસ્યા પ્રવર્તે છે. કહેવામાં આવે છે કે જ્યારે અમિતાભે દીકરા અભિષેકનાં લગ્નની મીઠાઈ શત્રુઘ્ન સિંહાને મોકલી હતી ત્યારે તેણે એ મીઠાઈ દરવાજેથી જ પાછી મોકલી દીધી હતી. ૭૦ના દાયકામાં અમિતાભ અને શત્રુઘ્ન સિંહાએ સાથે મળીને ફિલ્મજગત પર રાજ કર્યું હતું, પરંતુ પછી કેટલાક મતભેદ થયા અને બન્નેએ એકબીજા સાથે વાતચીત બંધ કરી દીધી હતી. શત્રુઘ્ન સિંહાની બાયોગ્રાફી ‘ઍનીથિંગ બટ ખામોશ’માં પણ આ ઘટનાક્રમનો ઉલ્લેખ છે.