19 March, 2026 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શર્મિલા ટાગોર
દિલ્હીમાં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ દિલ્હી (IFFD)ની શરૂઆત પચીસ માર્ચથી ૩૧ માર્ચ સુધી થવા જઈ રહી છે. આ ભવ્ય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ભારત મંડપમ ખાતે કરવામાં આવશે જેમાં વિશ્વભરના સિનેમાનો મહોત્સવ જોવા મળશે. આ વર્ષે ફેસ્ટિવલમાં ૧૦૦થી વધુ દેશોમાંથી કુલ ૨૧૮૭ એન્ટ્રીઓ આવી છે. એમાં ૧૩૭૨ આંતરરાષ્ટ્રીય અને ૮૧૫ ભારતીય ફીચર તેમ જ નૉન-ફીચર ફિલ્મોનો સમાવેશ થાય છે.
આ ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન સિનેમાજગતના અનેક કલાકારો અને ટેક્નિશ્યન્સના યોગદાનને માન આપવામાં આવશે તેમ જ ઍક્ટ્રેસ શર્મિલા ટાગોરને ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવશે. શર્મિલા ટાગોરે આ સન્માન માટે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘ફિલ્મ ફેસ્ટિવલ્સ એવા મંચ હોય છે જ્યાં વિશ્વભરનાં સિનેમા એકસાથે જોવા મળે છે. આ ફેસ્ટિવલનો ભાગ બનવું મારા માટે ગૌરવની વાત છે અને હું અહીં વિવિધ સ્ટોરીનું સેલિબ્રેશન કરવા આતુર છું.’