23 September, 2023 05:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિ શંકરાચાર્ય પર ફિલ્મ બનશે ‘શંકર’
આશુતોષ ગોવારીકર આગામી ફિલ્મ ‘શંકર’ વૈદિક વિદ્વાન અને ગુરુ આદિ શંકરાચાર્યના જીવન પર બનાવવાનો છે. તાજેતરમાં મધ્ય પ્રદેશના ઓમકારેશ્વરમાં એકતાનું પ્રતીક એવી ૧૦૮ ફુટની વિશાળ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આચાર્ય શંકર સાંસ્કૃતિક એકતા ન્યાસે આશુતોષ સાથે મળીને ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મ વિશે આશુતોષ ગોવારીકરે કહ્યું કે ‘ભારતના ઇતિહાસમાં આદિ શંકરાચાર્ય એક અદ્ભુત વ્યક્તિ હતા. તેમણે આપેલા બોધપાઠ વિશ્વના તમામ લોકોને પરસ્પર જોડે છે. તેમની લાઇફને અને તેમની બુદ્ધિમત્તાને ન્યાસ અને એકાત્મ ધામ સાથે મળીને સિનેમામાં સાકાર કરવાની જે તક મને મળી છે એનાથી હું સન્માન અનુભવું છું. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આશુતોષ ગોવારીકરે કૅપ્શન આપી હતી, ‘અમારી આગામી ફિલ્મ ‘શંકર’ને ઑફિશ્યલી જાહેર કરવાની અમને ખુશી છે. આદિ શંકરાચાર્ય અસાધારણ બાળક, વિદ્વાન, શિક્ષક અને ફિલોસૉફર હતા. આચાર્ય શંકર સાંસ્કૃતિક એકતા ન્યાસ સાથે મળીને ફિલ્મ બનાવીશું.’