10 July, 2026 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શમિતા શેટ્ટી (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)
અભિનેત્રી શમિતા શેટ્ટી (Shamita Shetty)એ સોહા અલી ખાન (Soha Ali Khan)ના પોડકાસ્ટ ‘ઓલ અબાઉટ હર’માં પોતાની જિંદગીના મુશ્કેલ સમયનો ઉલ્લેખ કર્યો છે. આ પોડકાસ્ટમાં શમિતા શેટ્ટીએ તેની બીમારી વિશે ખુલીને વાત કરી છે. અભિનેત્રીએ જણાવ્યું કે, તે લાંબા સમય સુધી એન્ડોમેટ્રિઓસિસ નામની બીમારીથી પીડાઈ રહી હતી અને શરૂઆતમાં ડોક્ટરો પણ તેની બીમારી પકડી શક્યા નહોતા, જેના કારણે સારવારમાં ઘણો વિલંબ થયો હતો. આ વાતચીત દરમિયાન તેણે એન્ડોમેટ્રિઓસિસ (endometriosis) અને પેરિમેનોપોઝ (perimenopause) સાથે જોડાયેલા પોતાના અનુભવો પ્રથમ વખત જાહેરમાં શેર કર્યા હતા. શમિતાએ જણાવ્યું કે, લાંબા સમય સુધી તે પોતે પણ સમજી શકી નહોતી કે તેના શરીરમાં થઈ રહેલા ફેરફારો સામાન્ય છે કે કોઈ ગંભીર બીમારીનો સંકેત.
પોડકાસ્ટમાં સોહા અલી ખાને જ્યારે શમિતા શેટ્ટીને પૂછ્યું (Shamita Shetty recalls struggle with endometriosis and perimenopause) કે, સાચી બીમારીની ખબર પડતા પહેલાં તેણે કેટલો સમય આ પીડા સહન કરી, ત્યારે તેણે જણાવ્યું કે તેના કિસ્સામાં સાચું નિદાન મળવામાં ઘણો સમય લાગી ગયો હતો. શમિતાએ કહ્યું કે, જ્યારે પણ તેને કોઈ લક્ષણો દેખાતા, ત્યારે તે પોતાની જાતને એમ કહીને મનાવી લેતી કે કદાચ આ સામાન્ય હશે. સૌથી પહેલાં જ્યારે તે ગાયનેકોલોજિસ્ટ પાસે ગઈ, ત્યારે તેણે પેપ સ્મીયર સહિતની તમામ જરૂરી તપાસ કરાવી હતી જેથી ખાતરી કરી શકાય કે બધું બરાબર છે.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તમામ રિપોર્ટ્સ સામાન્ય આવ્યા, ત્યારે કોઈએ એ ન વિચાર્યું કે આ તકલીફ પાછળ અન્ય કોઈ કારણ પણ હોઈ શકે છે. ત્યારપછી જ્યારે પણ તેને એ જ તકલીફ ફરીથી થતી, ત્યારે તે પોતાની જાતને સમજાવતા કે ગયા વખતે પણ રિપોર્ટમાં કંઈ નીકળ્યું નહોતો, એટલે કદાચ આ સામાન્ય હશે. તેને લાગતું હતું કે એક મહિલા હોવાના નાતે આવું થવું સામાન્ય બાબત છે.
શમિતા શેટ્ટીએ જણાવ્યું કે, મહિલાઓની સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ મોટેભાગે પોતાના દર્દને સામાન્ય માનીને સહન કરતી રહે છે. તેણે કહ્યું કે, મહિલાઓ સામાન્ય રીતે પોતાની પીડા ખુલીને વ્યક્ત નથી કરતી. પીરિયડ્સનો દુખાવો હોય કે હોર્મોન્સને લગતી અન્ય સમસ્યાઓ, તેને સામાન્ય માની લેવામાં આવે છે. સમાજ પણ એવું જ માને છે કે મહિલાઓએ આ બધી તકલીફો સાથે જીવવું જ પડે અને કદાચ આ જ કારણે ઘણી મહિલાઓ સમયસર પોતાની બીમારીને ઓળખી શકતી નથી.
અભિનેત્રીએ જણાવ્યું કે સર્જરીના લગભગ છ થી આઠ મહિના પહેલાં તેની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તે પહેલાં દુખાવો આટલો વધારે નહોતો અને તેની દર્દ સહન કરવાની ક્ષમતા ઘણી મજબૂત છે. પરંતુ જ્યારે દુખાવાના કારણે તેની ઊંઘ ઉડી જવા લાગી, ત્યારે તેને અહેસાસ થયો કે કંઈક ગરબડ છે. તે સમયે તેને લાગ્યું કે તેનું શરીર સંકેત આપી રહ્યું છે કે હવે આનું સાચું કારણ શોધવું જ પડશે.
શમિતાએ જણાવ્યું કે તે જ સમયે તે પેરિમેનોપોઝ વિશે પણ માહિતી મેળવી રહી હતી. હોર્મોન્સમાં સતત થઈ રહેલા ફેરફારોને કારણે તેના માટે એ સમજવું મુશ્કેલ થઈ ગયું હતું કે તેની તકલીફ પેરિમેનોપોઝનો એક ભાગ છે કે અન્ય કોઈ બીમારીનો સંકેત. તે ખૂબ જ મૂંઝવણમાં હતી કારણ કે એક તરફ હોર્મોનલ ફેરફારો થઈ રહ્યા હતા અને બીજી તરફ દુખાવો સતત વધી રહ્યો હતો. તેને સમજાતું નહોતું કે આ બધું પેરિમેનોપોઝના કારણે થઈ રહ્યું છે કે કોઈ બીજી સમસ્યા છે.
શમિતા શેટ્ટીએ મહિલાઓને અપીલ કરતાં કહ્યું કે, તેમણે પોતાના શરીરના સંકેતોને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ. જો લાંબા સમય સુધી દુખાવો કે કોઈ અસામાન્ય લક્ષણો દેખાય, તો તેને સામાન્ય માનીને સહન કરવાના બદલે તરત જ નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સમયસર સાચી તપાસ અને સારવાર મહિલાઓને વધુ સારું અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરી શકે છે.
એન્ડોમેટ્રિઓસિસ મહિલાઓ સાથે જોડાયેલી એક ગંભીર બીમારી છે, જેમાં ગર્ભાશયની અંદરની પરત જેવા જ ટિશ્યુ ગર્ભાશયની બહાર વધવા લાગે છે. આના કારણે અસહ્ય દુખાવો, અનિયમિત પીરિયડ્સ અને સ્વાસ્થ્યને લગતી અન્ય ઘણી સમસ્યાઓ થઈ શકે છે. બીજી તરફ, પેરિમેનોપોઝ એવો તબક્કો છે જ્યારે મેનોપોઝ પહેલાં મહિલાઓના શરીરમાં હોર્મોનલ ફેરફારો શરૂ થાય છે.