શાહિદ કપૂરનાં બાળકો ‘જબ વી મેટ’ જોઈને એક્સાઇટેડ થયાં હતાં

06 June, 2023 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહિદ કપૂરે જણાવ્યું છે કે તેનાં બાળકો તેની ફિલ્મ ‘જબ વી મેટ’ જોઈને એક્સાઇટેડ થયાં હતાં. તેણે થોડા સમય પહેલાં જ ડિજિટલ પ્લૅટફૉર્મ પર વેબ-સિરીઝ ‘ફર્ઝી’ દ્વારા એન્ટ્રી કરી હતી

ફાઇલ તસવીર

શાહિદ કપૂરે જણાવ્યું છે કે તેનાં બાળકો તેની ફિલ્મ ‘જબ વી મેટ’ જોઈને એક્સાઇટેડ થયાં હતાં. તેણે થોડા સમય પહેલાં જ ડિજિટલ પ્લૅટફૉર્મ પર વેબ-સિરીઝ ‘ફર્ઝી’ દ્વારા એન્ટ્રી કરી હતી. હવે તેની ‘બ્લડી ડૅડી’ પણ જિયો સિનેમા પર ૯ જૂ​ને રિલીઝ થશે. તાજેતરમાં જ તેણે જણાવ્યું કે તેની દીકરી મિશા અને દીકરા ઝૈને તેની ફિલ્મ ‘જબ વી મેટ’ જોઈ હતી. આ ફિલ્મ ૨૦૦૭માં રિલીઝ થઈ હતી. એમાં તેની સાથે કરીના કપૂર ખાન હતી. બાળકોનું શું રીઍક્શન હતું એ વિશે શાહિદે કહ્યું કે ‘તેઓ મારી મમ્મી સાથે એ ફિલ્મ જોવા ગયાં હતાં. મીરાને એહસાસ થયો કે તેમને આ ફિલ્મ દેખાડવી જોઈએ કેમ કે એ એક પારિવારિક ફિલ્મ છે. ફિલ્મ જોઈને તેઓ એક્સાઇટેડ થયાં હતાં, પરંતુ એનાથી વધુ કાંઈ ન કહી શકીએ. મારે તેમના માટે શાહિદ કપૂર બનવાની જરૂર નથી. હું તેમના માટે તેમનો ડૅડી છું.’

તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેણે પણ હૉલીવુડમાં કામ કરવા વિશે વિચાર્યું છે. તો એનો જવાબ આપતાં શાહિદે કહ્યું કે ‘મને હૉલીવુડમાં બ્રેક મળી ગયો છે એવું કાંઈ જ નથી. એના માટે અંદરથી એક પ્રકારની લાગણી હોવી પણ જરૂરી છે. એના માટે તમારે પણ પ્રેરિત અને ઉત્સાહિત હોવાની જરૂર છે. જો એવું થયું તો મારા માટે ભાષા કદી પણ બંધન નહીં રહે. કેટલાક લોકોને પરિવર્તન કરવામાં સરળતા લાગે છે તો કેટલાકને નહીં. જો મને અવસર મળે તો હું ક્યાંય પણ જઈ શકું છું. માત્ર મને કાંઈક એક્સાઇટિંગ મળવું જોઈએ.’

shahid kapoor jab we met bollywood news entertainment news