11 March, 2025 06:56 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર અને શાહિદ કપૂર
આઇફા અવૉર્ડ્સનું આયોજન આ વર્ષે જયપુરમાં કરવામાં આવ્યું છે. આ ફંક્શનમાં શાહરુખ ખાન સહિત બૉલીવુડના અનેક સ્ટાર્સે હાજરી આપી છે. જોકે આ ફંક્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી શાહિદ કપૂર અને કરીના કપૂર ખાનની જોડી. બન્ને ઇવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં. અહીં તેઓ એકમેકને ગળે મળ્યાં હતાં અને તેમણે એકમેક સાથે વાતચીત પણ કરી હતી. તેમની આ કેમિસ્ટ્રી જોઈને ફૅન્સ ખુશ થઈ ગયા હતા.
કરીના અને શાહિદ લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતાં. તેમણે ‘ફિદા’, ‘ચુપ ચુપકે’ અને ‘જબ વી મેટ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તેમના બ્રેકઅપ પછી કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધાં હતાં અને તેને હાલમાં બે દીકરા છે. શાહિદે પોતાનો સંસાર મીરા રાજપૂત સાથે વસાવી લીધો છે અને તેને પણ એક દીકરી અને એક દીકરો છે.
બ્રેકઅપ પછી કરીના અને શાહિદ જ્યારે મળે છે ત્યારે એકબીજાની અવગણના કરતાં કે એકબીજા સાથે અંતર જાળવીને વાત કરતાં જોવા મળે છે. એવા સંજોગોમાં બન્નેએ એકમેક સાથે સારી રીતે વર્તન કરતાં આ વાતની હકારાત્મક રીતે નોંધ લેવાઈ છે.