23 June, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક ફોટોમાં બન્ને ભાઈઓ બાઇક સાથે ઊભેલા છે
શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટર સાવકા ભાઈઓ છે. શાહિદ એ નીલિમા અઝીમ અને પંકજ કપૂરનો દીકરો છે જ્યારે ઈશાન ખટ્ટર એ નીલિમા અઝીમ અને રાજેશ ખટ્ટરનો દીકરો છે. નીલિમાએ પંકજ કપૂરથી છૂટાછેડા લીધા બાદ રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યાં હતાં. આમ શાહિદ અને ઈશાન સાવકા ભાઈઓ છે, પણ તેમની વચ્ચે સગા ભાઈઓ જેવો જ પ્રેમ છે.
હાલમાં શાહિદ અને ઈશાન એક રોડ-ટ્રિપ પર સાથે ગયા છે. ઈશાને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી છે. એક ફોટોમાં બન્ને ભાઈઓ બાઇક સાથે ઊભેલા છે. એક વિડિયોમાં તેઓ બાઇક ચલાવી રહ્યા છે. આ તસવીરો સાથે ઈશાન ખટ્ટરે એક કૅપ્શનમાં લખ્યું છે કે ‘મોટા ભાઈ અને મેં પહેલી વાર કોઈ રોડ-ટ્રિપ સાથે કરી છે, આ ટ્રિપમાં ફક્ત અમે બન્ને છીએ. શાહિદભાઈથી બહેતર ટ્રાવેલ-પાર્ટનર કોઈ હોઈ શકે નહીં.’
ઈશાનનું ભાઈ શાહિદ ઉપરાંત ભાભી મીરા સાથે પણ શાનદાર બૉન્ડિંગ છે. આ ત્રણેય ઘણી વાર સોશ્યલ મીડિયા પર ફની વિડિયો બનાવીને શૅર કરે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.