શાહરુખ ખાનને બૉલીવુડમાં ૩૪ વર્ષ થયાં, કરી યાદગાર ઉજવણી

27 June, 2026 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખે ખાસ અને યાદગાર ક્ષણની ઉજવણી મૅન્ગલોરમાં એક રિયલ એસ્ટેટ ગ્રુપના ઇવેન્ટમાં કરી હતી. એક ઇવેન્ટ દરમ્યાન તે પોતાના ચાહકોને મળ્યો અને સ્ટેજ પર પોતાની સુપરહિટ ફિલ્મોનાં ગીતો પર જબરદસ્ત ડાન્સ પણ કર્યો.

શાહરુખ ખાનને બૉલીવુડમાં ૩૪ વર્ષ થયાં, કરી યાદગાર ઉજવણી

શાહરુખ ખાન માટે ૧૯૯૨ની પચીસમી જૂનની તારીખ ખાસ હતી કારણ કે આ તારીખે શાહરુખે ‘દીવાના’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ગુરુવારે બૉલીવુડમાં શાહરુખના ડેબ્યુનાં ૩૪ વર્ષ પૂર્ણ થયાં છે. શાહરુખે ખાસ અને યાદગાર ક્ષણની ઉજવણી મૅન્ગલોરમાં એક રિયલ એસ્ટેટ ગ્રુપના ઇવેન્ટમાં કરી હતી. એક ઇવેન્ટ દરમ્યાન તે પોતાના ચાહકોને મળ્યો અને સ્ટેજ પર પોતાની સુપરહિટ ફિલ્મોનાં ગીતો પર જબરદસ્ત ડાન્સ પણ કર્યો.
શાહરુખે આ ઇવેન્ટમાં પોતાની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘પઠાન’ના ગીત ‘ઝૂમે જો પઠાન’, ‘છમ્મક છલ્લો’ તેમ જ ‘તુઝે દેખા તો યે જાના સનમ’ પર જોરદાર ડાન્સ કરીને ચાહકોને ખુશ કરી દીધા હતા.
ઇવેન્ટ દરમ્યાન શાહરુખે સફેદ ટી-શર્ટ અને બ્લૅક કોટ-પૅન્ટ પહેર્યું હતું. ફંક્શનમાં શાહરુખે મૅન્ગલોરના ચાહકોનું કન્નડા ભાષામાં ‘નમસ્કાર’ કહીને અભિવાદન કર્યું અને પછી કહ્યું ‘આભાર, મૅન્ગલોર. સૌથી પહેલાં તો જ્યારે હું અહીં આવી રહ્યો હતો ત્યારે મને ખબર નહોતી કે અહીં કેવો પ્રતિસાદ મળશે. જોકે ઍરપોર્ટથી લઈને અહીં સુધીની મુસાફરી દરમ્યાન તમે સૌએ જે આત્મીયતા, પ્રેમ, સદ્ભાવ અને ઉત્સાહ દર્શાવ્યો એ ખરેખર અદ્ભુત અનુભવ રહ્યો.’

શાહરુખ ખાન ઇવેન્ટમાં પહોંચ્યો બાળપણની એકમાત્ર તસવીર લઈને
મૅન્ગલોરમાં યોજાયેલી ઇવેન્ટમાં શાહરુખ બાળપણની એક તસવીર લઈને પહોંચ્યો હતો. શાહરુખનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો પણ તેણે બાળપણનાં શરૂઆતનાં પાંચ વર્ષ પોતાના દાદા ઇફ્તિખાર અહમદ સાથે મૅન્ગલોરમાં જ વિતાવ્યા હતા. ઇવેન્ટની વચ્ચે તેણે ખિસ્સામાં રાખેલી એ તસવીર કાઢીને પ્રેક્ષકોને બતાવી અને કહ્યું કે આ મારા બાળપણની એકમાત્ર તસવીર છે. શાહરુખે તસવીર બતાવતાં કહ્યું, ‘ભલે આ સમયે આ તસવીર થોડી વિચિત્ર લાગે કારણ કે હું તેમાં કપડાં વગરનો છું. મારી પાસે મારા બાળપણની એકમાત્ર તસવીર છે. મારી આ તસવીર મૅન્ગલોરમાં લેવામાં આવી હતી. હું આમાં કપડાં વગર ટબમાં બેઠો છું.’

Shah Rukh Khan bollywood buzz bollywood news bollywood bollywood gossips entertainment news