ચાર દિવસે મારાં છેલ્લાં ચાર વર્ષ ભુલાવી દીધાં છે : શાહરુખ ખાન

31 January, 2023 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરીઅર પૂરી થઈ ગઈ હોવાનું કહેનાર લોકો પર કટાક્ષ કરતાં તેણે કહ્યું કે મેં ઑલ્ટરનેટ કરીઅર તરીકે ઇટાલિયન કુકિંગ પસંદ કર્યું હતું

મુંબઈની તાજ લૅન્ડ્સ એન્ડમાં યશરાજ ફિલ્મ્સ દ્વારા ‘પઠાન’ની મીડિયા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, જૉન એબ્રાહમ અને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ પણ હાજર રહ્યાં હતાં. તસવીર સતેજ શિંદે

શાહરુખ ખાનનું કહેવું છે કે તેણે ઑલ્ટરનેટ કરીઅર તરીકે કુકિંગને પસંદ કર્યું હતું, પરંતુ આ ચાર દિવસે તેનાં છેલ્લાં ચાર વર્ષ ભુલાવી દીધાં છે. શાહરુખની ચાર વર્ષ પહેલાં આવેલી છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ નહોતી ચાલી. આ ફિલ્મ બાદ લોકો કહી રહ્યા હતા કે તેની કરીઅર પૂરી થઈ ગઈ છે. જોકે ચાર વર્ષ બાદ તે ‘પઠાન’ લઈને આવ્યો છે અને આ ફિલ્મ ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે. આ વિશે વાત કરતાં શાહરુખે ગઈ કાલે એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘અહીં આવવા માટે દરેકનો આભાર. સૌથી મહત્ત્વની વાત એ છે કે અમને જે લોકોએ પ્રેમ આપ્યો અને એ લોકો અહીં નથી તેમનો પણ અમે આભાર માનીએ છીએ. હું, જૉન એબ્રાહમ અને દીપિકા પાદુકોણ મીડિયાને નહોતાં મળ્યાં. અમે કોવિડ-19 દરમ્યાન ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. અમે ખૂબ જ મહેનત કરીને ફિલ્મ બનાવી હતી. આથી અમે ત્રણેય વર્ક મોડમાં હતાં. અમારી ફિલ્મની રિલીઝને પ્રૉબ્લેમ થઈ શકે એવું હતું એમ છતાં અમને સપોર્ટ કરવા માટે દરેકનો આભાર. છેલ્લાં ચાર વર્ષ. કોવિડ મારા માટે સારો અને ખરાબ બન્ને રહ્યો હતો. મેં કામ નહોતું કર્યું. હું મારાં બાળકો સાથે હતો. મેં તેમને મોટાં થતાં જોયાં છે. મારી છેલ્લી ફિલ્મ નહોતી ચાલી એથી લોકો કહી રહ્યા હતા મારી ફિલ્મો હવે ક્યારેય નહીં ચાલે. મેં મારી ઑલ્ટરનેટ કરીઅર ​પર ફોકસ કર્યું અને ઇટાલિયન કુકિંગ કર્યું. ફિલ્મ પૂરી કરવાની મેં કોઈ ઉતાવળ નહોતી કરી. મારી ઇચ્છા લોકોને ખુશી આપવાની હતી. મારી ફિલ્મ જ્યારે નહોતી ચાલી ત્યારે સૌથી વધુ હું દુખી થયો હતો. ‘પઠાન’ ખૂબ જ મોટી અને એક્સપેન્સિવ ફિલ્મ હતી. હું આદિત્ય ચોપડા અને સિદ્ધાર્થ આનંદનો હંમેશાં આભારી રહીશ. આ ચાર દિવસમાં હું મારાં છેલ્લાં ચાર વર્ષને ભૂલી ગયો છું.’

આ પણ વાંચો : ભારતે હંમેશાં ખાન અને ખાનને જ પ્રેમ આપ્યો છે : કંગના રનોટ

 મને ખરેખર નવાઈ લાગે છે કે શાહરુખ ખાન કેમ આજ સુધી ઍક્શન હીરો નહોતો બન્યો. ઍક્શન દરમ્યાન તેને મારવા માટે હું ડરી રહ્યો હતો. તે મને કહી રહ્યો હતો કે મને માર, પણ હું નહોતો મારી શકતો. તે નૅશનલ ટ્રેઝર છે. - જાૅન એબ્રાહમ  

 મારા અને મારી ફૅમિલી માટે આ ખૂબ જ મોટો દિવસ છે. અમને આટલી ખુશી છેલ્લા ઘણા સમયથી નહોતી મળી. સિદ્ધાર્થ આનંદ જ્યારે પણ મને કહેશે કે ‘પઠાન 2’ બનાવવાની છે ત્યારે હું હાજર થઈ જઈશ. મારા માટે એ ગર્વની વાત હશે. - શાહરુખ ખાન

 ફિલ્મને જે પ્રેમ મળી રહ્યો છે એ ખૂબ જ અદ્ભુત છે. આ એક ફેસ્ટિવલ હોય એવું લાગી રહ્યું છે. શાહરુખ ખાન ન હોત તો હું આજે અહીં ન હોત. એક આર્ટિસ્ટ અને એક વ્યક્તિ તરીકે હું તેનો ખૂબ જ રિસ્પેક્ટ કરું છું. - દીપિકા પાદુકોણ

ઓપનિંગ વીક-એન્ડમાં ‘પઠાન’નો ૨૭૧ કરોડ રૂપિયાનો બિઝનેસ 

બુધવારે રિલીઝ થયેલી શાહરુખ ખાનની ‘પઠાન’એ હિન્દી વર્ઝનમાં ૨૭૧ કરોડનું કલેક્શન મેળવી લીધું છે. આ બિઝનેસ પાંચ દિવસનો છે. આ ફિલ્મની રિલીઝ અગાઉ એને વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. આમ છતાં ફિલ્મે બૉક્સ-ઑફિસ પર કલેક્શનનું તોફાન ઊભું કરી દીધું છે. ૨૬ જાન્યુઆરીએ રિપબ્લિક ડે નિમિત્તે પણ આ ફિલ્મને ફાયદો થયો હતો. ત્યાર બાદ વીક-એન્ડમાં રવિવારે આ ફિલ્મનું સૌથી વધુ કલેક્શન થયું છે. રિલીઝથી માંડીને વીક-એન્ડ સુધીના આંકડા પર નજર નાખીએ તો ‘પઠાન’ના હિન્દી વર્ઝને બુધવારે ૫૫ કરોડ, ગુરુવારે ૬૮ કરોડ, શુક્રવારે ૩૮ કરોડ, શનિવારે ૫૧.૫૦ કરોડ અને રવિવારે ૫૮.૫૦ કરોડની સાથે કુલ મળીને ૨૭૧ કરોડનો વકરો કરી લીધો છે. તામિલ અને તેલુગુમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બુધવારે બે કરોડ, ગુરુવારે ૨.૫૦ કરોડ, શુક્રવારે ૧.૨૫, શનિવારે ૧.૭૫ કરોડ અને રવિવારે ૨.૨૫ કરોડની સાથે ટોટલ ૯.૭૫ કરોડનો બિઝનેસ કર્યો છે. ત્રણેય ભાષાઓનું કલેક્શન મળીને ‘પઠાન’એ પાંચ દિવસમાં ૨૮૦.૭૫ કરોડનો બિઝનેસ કરી લીધો છે.

entertainment news bollywood news bollywood gossips bollywood pathaan Shah Rukh Khan john abraham deepika padukone