ઑનલાઇન ફ્રૉડનો શિકાર બન્યાં શબાના આઝમી

25 June, 2021 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શબાના આઝમી હાલમાં જ લિવિંગ લિક્વિડ્સના નામનો ગેરફાયદો ઉઠાવનારા લોકોની છેતરપિંડીનો શિકાર બન્યાં હતાં. એ સંદર્ભે તેમણે મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી હતી

શબાના આઝમી

શબાના આઝમી હાલમાં જ લિવિંગ લિક્વિડ્સના નામનો ગેરફાયદો ઉઠાવનારા લોકોની છેતરપિંડીનો શિકાર બન્યાં હતાં. એ સંદર્ભે તેમણે મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી હતી. સાથે જ આવાં અસામાજિક તત્ત્વો વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવે એવી માગણી પણ કરી છે. લિવિંગ લિક્વિડ્સ આલ્કોહૉલ ડિલિવર કરે છે. એથી તેમણે ઑનલાઇન પેમેન્ટ કર્યું હતું, પરંતુ તેમણે કરેલી આઇટમ્સ ડિલિવર ન થતાં તેમને જાણ થઈ કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. એ વિશે ટ્વિટર પર શબાના આઝમીએ ટ્વીટ કર્યું હતું કે ‘સાવધાન, મને કેટલાક લોકોએ છેતરી છે. મેં લિવિંગ લિક્વિડ્સને પેમેન્ટ કર્યું હતું. જોકે સામાન ડિલિવર ન થતાં મેં તેમને ફોન કર્યો તો તેમણે મારો ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું હતું. મેં અકાઉન્ટ નંબર 919171984427 પર IFSC-PYTM0123456, નામ લિવિંગ લિક્વિડ્સને પેટીએમથી પેમેન્ટ કર્યું હતું.’

બીજી તરફ તેમણે એ લોકોની જાણકારી મળી હોવાનું પણ જણાવતાં શબાના આઝમીએ ટ્વીટ કર્યું હતું કે ‘ફાઇનલી લિવિંગ લિક્વિડ્સના માલિકની ભાળ મળી ગઈ છે. જેમણે મારી સાથે છેતરપિંડી કરી એ લોકોનો લિવિંગ લિક્વિડ્સ સાથે કોઈ સંબંધ પણ નથી. હું મુંબઈ પોલીસ અને સાઇબર ક્રાઇમને વિનંતી કરું છું કે આવા ઠગ લોકો જે મોટા બિઝનેસના નામનો ગેરફાયદો લઈને અમારી સાથે ઠગાઈ કરે છે તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરે.’

shabana azmi bollywood news