અમિતાભ બચ્ચનને જોઈને ઍક્ટર બનવાની ઇચ્છા થઈ હતી આયુષ્માનને

13 June, 2020 09:36 PM IST  |  Mumbai Desk | Agencies

અમિતાભ બચ્ચનને જોઈને ઍક્ટર બનવાની ઇચ્છા થઈ હતી આયુષ્માનને

આયુષ્માન ખુરાના, અમિતાભ બચ્ચન

‘હમ’માં અમિતાભ બચ્ચનને જોઈને ઍક્ટર બનવાનો વિચાર આવ્યો હતો આયુષ્માન ખુરાનાને. જોકે આજે અભૂતપૂર્વ સફળતા મેળવનાર આયુષ્માનને ‘ગુલાબો સિતાબો’માં અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળી છે. આ ફિલ્મ શૂજિત સરકારે બનાવી છે. અમિતાભ બચ્ચન અને શૂજિત સરકાર પ્રતિ પોતાની લાગણી વ્યક્ત કરતાં ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનો એક સીન શૅર કરીને આયુષ્માને કૅપ્શન આપી હતી કે ‘આપણા દેશમાં જ્યારે પણ કોઈ યુવાન ઍક્ટિંગના‍ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તેનું લક્ષ હોય છે કે તે અમિતાભ બચ્ચન જેવો બને. મારી છેલ્લી ફિલ્મનો એક ડાયલૉગ હતો કે ‘બચ્ચન બનતા નથી, બચ્ચન તો હોય છે.’ મેં જ્યારે બાળપણમાં ચંડીગઢના નીલમ સિનેમામાં ‘હમ’ જોઈ હતી ત્યારે મોટી સ્ક્રીન પર તેમને જોઈને શરીરમાં એક ઊર્જા ઉત્પન્ન થઈ જેણે મને એક અભિનેતા બનવા વિવશ કરી દીધો હતો. મારું પહેલું ટીવી શૂટ મુકેશ મિલ્સમાં થયું હતું. આ એ જ સ્થાન હતું કે જ્યાં ‘જુમ્મા ચુમ્મા દે દે’ શૂટ થયું હતું. એ દિવસે મને એવી ફીલિંગ થઈ હતી કે હું ઍક્ટિંગના ક્ષેત્રમાં પહોંચી ગયો છું. જો એ વખતે એ સ્થિતિ હોય તો તમે વિચારી શકો છો કે હાલમાં હું કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોઈશ. ‘ગુલાબો સિતાબો’માં મારા સહકલાકાર તરીકે તેઓ ઊભા હતા. અમારાં કૅરૅક્ટર એવાં હતાં કે અમારે એકબીજાને સહન કરવા પડ્યાં હતાં. જોકે મારી એવી ક્યાં હિમ્મત કે હું તેમની સામે કંઈ બોલી શકું. આ અદ્ભુત અનુભવ અપાવવા માટે હું શૂજિતદાનો આભાર માનું છું કે તેમણે મને અમિતાભ બચ્ચન જેવા મહાનાયક સાથે એક જ ફ્રેમમાં દેખાડ્યો છે. દાદા, તમે મારા ગુરુ છો. તમારો હાથ ઝાલીને જ હું અહીં પહોંચી શક્યો છું. આ જન્મ મેળવવા માટે સો જન્મ કુરબાન. જીવને પોતાનું કૌશલ્ય દેખાડવા માટે હજારો અવસર આપ્યા.’

દરેક ફિલ્મની પોતાની ચૅલેન્જ હોય છે : અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનનું કહેવું છે કે દરેક ફિલ્મને એની પોતાની ચૅલેન્જ હોય છે. ‘ગુલાબો સિતાબો’માં પણ કામ કરતી વખતે તેમને અનેક પડકારનો સામનો કરવા પડ્યો હતો. એ વિશે જણાવતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘દરેક ફિલ્મના પ્રોજેક્ટમાં પડકાર હોય છે અને એને સ્વીકારીને જ કામ કરવાનું હોય છે. ‘ગુલાબો સિતાબો’માં પણ ચૅલેન્જિસ ઓછી નહોતી. દરરોજ ચારથી-પાંચ કલાક પ્રોસ્થેટિક મેકઅપ કરવું અસહજ લાગતું હતું, વૃદ્ધ મિર્ઝાની સ્થિતિ, આકરી ગરમી. જો તમે તમારી જાતને પ્રોફેશનલ કહેતા હો તો આ બધું સહન કરવું પડે છે. એને ખૂબ સારી રીતે સ્વીકારીને એને એન્જૉય કરવું રહ્યું.’

bollywood bollywood news bollywood gossips amitabh bachchan ayushmann khurrana