28 January, 2026 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિનેતા સતીશ શાહ
પચીસ જાન્યુઆરીએ પદ્મશ્રી અવૉર્ડ્સ ૨૦૨૬ની જાહેરાત કરવામાં આવી હતી. એમાં ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે, જ્યારે સ્ક્રીન પર સૌને હસાવનાર અભિનેતા સતીશ શાહને પણ મરણોત્તર પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. સતીશ શાહને આ સન્માન મળતાં તેમના હિટ શો ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ની સ્ટારકાસ્ટ ખૂબ ખુશ છે, પરંતુ સાથે-સાથે મનમાં ક્યાંક એક અફસોસ પણ છે. સતીશ શાહનું નિધન ૭૪ વર્ષની વયે ગયા વર્ષે પચીસ ઑક્ટોબરે થયું હતું
સોમવારે સતીશ શાહને મરણોત્તર પદ્મશ્રી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા બાદ ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ બનાવનાર પ્રોડક્શન હાઉસ હૅટ્સ ઑફ પ્રોડક્શનન્સે સોશ્યલ મીડિયા પર તેમને યાદ કરતાં લખ્યું હતું કે ‘કેટલો અજીબ સંયોગ છે. વર્ષો પહેલાં જ્યારે સારાભાઈની ટીમ મળી હતી ત્યારે આ જ ક્ષણ વિશે વાત થઈ હતી, જાણે કે આ થવાનું જ હતું. જોકે મનમાં એક અફસોસ રહી જાય છે કે આ સન્માન તેમને મોડું અને એવા સમયે મળ્યું જ્યારે તેઓ અમારી વચ્ચે આ ક્ષણ ઊજવવા હાજર નથી. એમ છતાં દેશે અંતે એવા માણસની કદર કરી છે જેમણે અનેક પેઢીઓને મનોરંજન આપ્યું અને એવાં પાત્રો ભજવ્યાં જે લોકોના પરિવારનો ભાગ બની ગયા. તેઓ પોતાની પાછળ એવી હાસ્યસભર યાદગીરી છોડી ગયા છે જે ક્યારેય ભૂલી નહીં શકાય.’
આ પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું હતું કે ‘આજે સારાભાઈ પરિવાર, તમારા પરિવાર અને મધુભાભી; બધા માટે આ ક્ષણ ગર્વભરી છે અને અમે સૌ તમને સલામ કરીએ છીએ. તમે આ સન્માન સ્વીકારવા માટે આજે અહીં હાજર નથી, પરંતુ અમારા દિલમાં તમે હંમેશાં જીવંત રહેશો, સતીશભાઈ.’